Ahmedabad News:અમદાવાદના પીરાણા ખાતેના 180 MLD STPની મશીનરીમાં નુકસાન થતાં હવે તેને બદલવાની જરૂર પડી
છે. સામાન્ય રીતે 25 વર્ષ સુધી ચાલવાની મશીનરી કેમિકલયુક્ત પાણીની અસરથી માત્ર 16 વર્ષમાં જ ખલાસ થઈ હોવાનું
સામે આવ્યું છે. મશીનરી બદલવા માટે અંદાજે 12 કરોડનો ખર્ચ કોર્પોરેશનને કરવો પડશે.
પીરાણા STPમાં મશીનરીને મોટું નુકસાન
પીરાણા ખાતે આવેલા 180 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશનમાં લાંબા સમયથી કેમિકલયુક્ત પાણી આવતું હોવાની વિગતો સામે આવી છે. દાણીલીમડા, બહેરામપુરા અને નારોલ સહિત પૂર્વ અમદાવાદ (Ahmedabad)ના વિસ્તારોમાંથી ગટર લાઇનમાં આવતું પાણી મશીનરી માટે નુકસાનકારક બન્યું હોવાનું જણાવાય છે.
આ ઉપરાંત શાહપુર-દૂધેશ્વર વિસ્તાર તથા ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક ઔદ્યોગિક વિસ્તારોમાંથી પણ ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી ગટર લાઇનમાં પહોંચતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પાણીની અસરથી મશીનરીમાં કાટ અને અન્ય નુકસાન થયું હોવાનું સૂત્રોનું કહેવું છે.
25 વર્ષ ચાલવાની મશીનરી 16 વર્ષમાં ખલાસ
પમ્પિંગ સ્ટેશનની મશીનરીની સામાન્ય આયુષ્ય આશરે 25 વર્ષ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ કેમિકલયુક્ત પાણીના સતત સંપર્કને કારણે આ મશીનરી માત્ર 16 વર્ષમાં જ બદલવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે.
મશીનરીને થયેલા નુકસાનને કારણે હવે નવી મશીનરી લગાવવાની કામગીરી કરવી પડશે. તેના માટે અંદાજે 12 કરોડનો ખર્ચ (12 Crore Cost) થવાનો અંદાજ છે. એટલે કે ઔદ્યોગિક વિસ્તારોમાંથી ગટર વ્યવસ્થામાં આવતા કેમિકલયુક્ત પાણીની અસરનો સીધો આર્થિક બોજો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પડી શકે છે.
155 MLD STP બાદ અન્ય પ્લાન્ટમાં પણ કામગીરી
180 MLD STPની મશીનરી બદલ્યા બાદ પીરાણા ખાતેના 155 MLD STPના પમ્પિંગ સ્ટેશનની મશીનરી બદલવાની જરૂરિયાત પણ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વાસણા STPના પમ્પિંગ સ્ટેશનની મશીનરી અગાઉ બદલવી પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત વિંઝોલ ખાતે કેમિકલયુક્ત પાણીની અસરથી નુકસાન પામેલી પમ્પિંગ મશીનરી બદલવાની કામગીરી પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવાય છે.
કેમિકલયુક્ત પાણી રોકવામાં તંત્રની ભૂમિકા સામે સવાલ
સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટની કાર્યવાહી બાદ GPCB અને કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં ગટર લાઇનમાં કેમિકલયુક્ત પાણી પહોંચતું હોવાની ફરિયાદો સામે આવતી રહે છે.
કોમીકલ વેસ્ટ કંટ્રોલ (Chemical Waste Control)માટે ઔદ્યોગિક એકમો પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કર્યા બાદ જ તેનો નિકાલ કરે તે જરૂરી છે. જો કેમિકલયુક્ત પાણીના કારણે કરોડો રૂપિયાની મશીનરીનું આયુષ્ય ઘટે છે, તો ગટર લાઇનમાં આવતા પાણીના મોનિટરિંગ અને ઔદ્યોગિક એકમોની દેખરેખ વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે.
આ પણ વાંચો: અમદાવાદના પીરાણામાં ધાર્મિક સ્થળની તોડફોડ, પોલીસ સક્રિય થઈ
આ પણ વાંચો: પોલીસ કમિશ્નર જી એસ મલિકે પીરાણા બ્રિજની કામગીરી સહિત ટ્રાફિકનું કર્યુ નિરીક્ષણ
