india news/ કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ગંગા કિનારે ક્રેશ; હવામાં પ્રચંડ ધડાકા બાદ નીચે પટકાયું પ્લેન, 1 પાયલટનું નીપજ્યું કરૂણ મોત જ્યારે અન્ય 1 ની હાલત ગંભીર

કાનપુરના નથ્થા પુરવા ગામ નજીક એક ટ્રેનિંગ એરક્રાફ્ટ હવામાં વિસ્ફોટ (Plane crashed) બાદ ક્રેશ થયું છે. આ અકસ્માતમાં એક પાયલટનું કરૂણ મોત થયું છે જ્યારે અન્ય એક પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે.

NATIONAL India
Plane crashed On the banks of the Ganges

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક અત્યંત દર્દનાક અને મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે બપોરના સમયે કાનપુરના ગંગા કિનારે આવેલા નથ્થા પુરવા ગામ નજીક એક ટ્રેનિંગ પ્લેન અચાનક દુર્ઘટનાગ્રસ્ત (Plane crashed ) થઈને જમીન પર પટકાયું હતું. હવામાં જ પ્રચંડ ધડાકા સાથે વિમાન નીચે પડતાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ડરના માર્યા ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

Plane crashed : હવામાં જ મોટો ધડાકો થયો અને વિમાનના ટુકડા થઈ ગયા

પ્રાથમિક માહિતી અનુસાર, આ એક ટ્વિન એન્જિન ટ્રેનિંગ એરક્રાફ્ટ (Aircraft)હતું, જેમાં બે અનુભવી પાયલટ સવાર થઈને ઉડાન ભરી રહ્યા હતા. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ધડાકા બાદ વિમાને પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને સીધું જમીન પર આવીને પટકાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર વિસ્તારમાં કાળો ડિબાંગ ધુમાડો અને વિમાનનો કાટમાળ વેખરાઈ ગયો હતો.

1 પાયલટનું ઘટનાસ્થળે જ મોત, બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

આ કરૂણ દુર્ઘટના (Accident)માં એક પાયલટે કમનસીબે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. દમ તોડનર પાઇલટ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજા પાયલટને કાટમાળમાંથી અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોએ તુરંત જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી, જેના પગલે એમ્બ્યુલન્સ અને રાહત ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત પાયલટને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતના સમાચાર પ્રસરતાં જ ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેને દૂર કરવા પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.

બ્લેક બોક્સ અને ટેકનિકલ ખામી અંગે તપાસના આદેશ

આ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ શું હતું, હવામાં જ વિસ્ફોટ કેમ થયો અને શું એન્જિન (Engine)માં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે કેમ તે તમામ પાસાઓ પર પ્રશાસન અને એવિએશન ટીમોએ ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અલાસ્કાના મિલિટરી એરપોર્ટ પર પણ ખરાબ હવામાન અને ઝાંખા વિઝિબિલિટીના કારણે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 8 લોકોના મોત થયા હતા, ત્યારે કાનપુરની આ ઘટનાએ દેશમાં પાયલટ તાલીમ સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો :14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

આ પણ વાંચો :ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોબાળો! કાવડિયાઓએ બેરિકેડિંગ તોડી નાખ્યું, સુરક્ષાકર્મીઓને ઈજા

આ પણ વાંચો :ભારતે UNની CERD સમિતિની ટિપ્પણીઓ ફગાવી, કહ્યું- રાજકીય રીતે પ્રેરિત અને દુર્ભાવનાપૂર્ણ