Ujjain News: ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં (Ujjain Mahakal Temple) બુધવારે કાવડિયાઓના હોબાળાની ઘટના સામે આવી છે. ઓમકારેશ્વરના ખેડીઘાટથી કાવડ લઈને આવેલા દર્શનાર્થીઓના એક જૂથે નંદી હોલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને રોકતા મામલો ઉગ્ર બન્યો હતો અને કાવડિયાઓએ બેરિકેડિંગ તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં ત્રણ સુરક્ષાકર્મીઓને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ઓમકારેશ્વરથી 100 જેટલા કાવડિયા પહોંચ્યા
મળતી માહિતી મુજબ, ઓમકારેશ્વરના ખેડીઘાટથી આશરે 100 દર્શનાર્થીઓ કાવડ લઈને મહાકાલ મંદિર પહોંચ્યા હતા. આ પૈકી કેટલાક કાવડિયાઓએ નંદી હોલ (Nandi Hall) તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ મંદિરની વ્યવસ્થા અને નિયમોને ધ્યાનમાં રાખીને તેમને રોક્યા હતા, પરંતુ કાવડિયાઓ આગળ વધતા મામલો વિવાદમાં ફેરવાયો હતો.
Ujjain Mahakal Temple: બેરિકેડિંગ કૂદીને નંદી હોલ તરફ જવાનો પ્રયાસ
સુરક્ષાકર્મીઓ દ્વારા રોકવામાં આવતા કેટલાક કાવડિયાઓ બેરિકેડિંગ કૂદીને આગળ જવા લાગ્યા હતા. તેમને રોકવાના પ્રયાસ દરમિયાન બેરિકેડ્સ પડી જતાં સુરક્ષાકર્મીઓને ઈજા થઈ હતી. મંદિર પ્રબંધ સમિતિના જણાવ્યા અનુસાર, આ દરમિયાન સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી અને મારપીટ પણ થઈ હતી.
3 સુરક્ષાકર્મીઓ ઘાયલ

હોબાળા દરમિયાન મંદિરના ત્રણ સુરક્ષાકર્મીઓને ઈજા પહોંચી હતી. જેમાં બે સુરક્ષાકર્મીઓને પગ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાને પગલે મંદિર પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દાનપેટીઓ ખસેડવાનો પણ આરોપ
મહાકાલ મંદિર પ્રબંધ સમિતિએ જણાવ્યું હતું કે કેટલાક (Mahakal Temple Incident) ઉપદ્રવી લોકોએ મંદિરની સુરક્ષા અને વ્યવસ્થાને અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા ઉપરાંત દાનપેટીઓને આમતેમ કરવાનો અને અનધિકૃત રીતે ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.
મંદિર પ્રબંધ સમિતિ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. ઘટનામાં સામેલ લોકોને ઓળખવાની કાર્યવાહી ચાલી રહી છે. ઓળખ થયા બાદ સંબંધિત લોકો સામે નિયમ મુજબ વૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે.
મંદિરની વ્યવસ્થા સામે સવાલ
મહાકાલ મંદિર જેવા સંવેદનશીલ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા ધાર્મિક સ્થળે બેરિકેડિંગ તોડીને અંદર પ્રવેશવાના પ્રયાસથી મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. હવે સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: મહાકાલના દર્શને ઉમટી લાખોની ભીડ, અફવા બાદ સર્જાઈ અફરાતફરી! 13 શ્રદ્ધાળુઓ હોસ્પિટલ પહોંચ્યા
આ પણ વાંચો: વડોદરામાં યુનિયન બેંક સાથે ₹1.45 કરોડની છેતરપિંડીનો આરોપ, 6 સામે ગુનો
આ પણ વાંચો: મહાકાલ મંદિરમાં ચંપલ ખોવાયા તો યુવકે અપનાવી AIની મદદ, ChatGPTએ શોધી આપ્યા જૂતા!
