Jaisalmer Travel: રાજસ્થાનનું જેસલમેર , જે ‘ગોલ્ડન સિટી’ તરીકે જગવિખ્યાત છે, તે માર્ચ મહિનામાં પ્રવાસ કરવા માટે એક આદર્શ સ્થળ છે. જ્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી હોય અને હજી અસહ્ય ગરમી ન પડી હોય, ત્યારે જેસલમેરના પીળા રેતીના પથ્થરો (Yellow Sandstone) થી બનેલા મહેલો અને રણનો નજારો અદભૂત લાગે છે. આ શહેર તેના ભવ્ય કિલ્લાઓ, ઐતિહાસિક હવેલીઓ અને થાર રણના અવિસ્મરણીય અનુભવો માટે જાણીતું છે. જો તમે પણ માર્ચમાં કોઈ શાનદાર ટ્રીપ પ્લાન કરી રહ્યા હોવ, તો જેસલમેરના આ સ્થળો તમારી યાદીમાં ચોક્કસ હોવા જોઈએ. જેસલમેરના જોવાલાયક મુખ્ય પ્રવાસન સ્થળો.
જેસલમેર કિલ્લો (Jaisalmer)
જેસલમેર (Jaisalmer)કિલ્લો દુનિયાના એવા જૂજ કિલ્લાઓમાંનો એક છે જેને ‘લિવિંગ ફોર્ટ’ કહેવામાં આવે છે, કારણ કે આજે પણ શહેરની લગભગ 25% વસ્તી આ કિલ્લાની અંદર વસે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આ કિલ્લો સૂર્યના કિરણોમાં સોનાની જેમ ચમકે છે. કિલ્લાની અંદર તમે રાજમહેલ, જૈન મંદિરો અને અદભૂત કોતરણીવાળા દરવાજા જોઈ શકો છો. માર્ચના ખુશનુમા વાતાવરણમાં અહીંની ગલીઓમાં ફરવું એક અલગ જ રોમાંચ આપે છે.
ગડીસર તળાવ
આ એક માનવનિર્મિત તળાવ છે જે પ્રાચીન સમયમાં જેસલમેર (Jaisalmer) માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતું. તળાવની આસપાસ અનેક નાના મંદિરો અને છત્રીઓ આવેલી છે. અહીં સાંજના સમયે બોટિંગ (Boating) નો આનંદ લેવો અને સૂર્યાસ્તનો નજારો જોવો એ પ્રવાસીઓ માટે સૌથી મનપસંદ પ્રવૃત્તિ છે. માર્ચ મહિનામાં સાંજે અહીં ઠંડો પવન લહેરાતો હોય છે, જે મનને શાંતિ આપે છે. અહીં રાત્રે લેઝર વોટર શો પણ યોજાય છે જે શહેરનો ઇતિહાસ દર્શાવે છે.
સેમ સેન્ડ ડ્યુન્સ
જો તમે જેસલમેર (Jaisalmer) જાવ અને રણની મુલાકાત ન લો, તો તમારો પ્રવાસ અધૂરો ગણાય. શહેરથી લગભગ 40 કિમી દૂર આવેલા સેમ સેન્ડ ડ્યુન્સ રણના અસલી અનુભવ માટે બેસ્ટ છે. અહીં તમે ઊંટ સવારી (Camel Safari) અથવા જીપ સફારી (Jeep Safari) નો આનંદ માણી શકો છો. માર્ચમાં રાત્રે રણનું તાપમાન ખૂબ જ અનુકૂળ હોય છે, જ્યાં તમે ડેઝર્ટ કેમ્પમાં રોકાઈને રાજસ્થાની લોકનૃત્ય અને ભોજનનો આનંદ માણી શકો છો.
પટવો કી હવેલી અને નાથમલજીની હવેલી
જેસલમેર તેની હવેલીઓ માટે પણ જાણીતું છે. પટવો કી હવેલી પાંચ હવેલીઓનો સમૂહ છે જે તેની બારીક કોતરણી અને સ્થાપત્ય કલા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેવી જ રીતે નાથમલજીની હવેલી પણ કલાનો ઉત્તમ નમૂનો છે, જે બે ભાઈઓએ સાથે મળીને બનાવી હતી. આ હવેલીઓની જટિલ ડિઝાઈન જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ સ્થળો ઇતિહાસ અને આર્કિટેક્ચરમાં રસ ધરાવતા લોકો માટે સ્વર્ગ સમાન છે.
કુલધરા ગામ
જેસલમેરથી (Jaisalmer) થોડે દૂર આવેલું કુલધરા ગામ ‘ભૂતિયા ગામ‘ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલા આખું ગામ રાતોરાત ખાલી થઈ ગયું હતું અને ત્યારથી તે વેરાન છે. આ સ્થળ રહસ્ય અને સાહસના શોખીનો માટે શ્રેષ્ઠ છે. ઉજ્જડ ઘરો અને ગલીઓ વચ્ચે ફરતી વખતે તમને ઇતિહાસના પડઘા સંભળાય એવો અનુભવ થશે.
તનોટ માતા મંદિર અને લોંગેવાલા વોર મેમોરિયલ
જો તમારી પાસે સમય હોય, તો ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું તનોટ માતાનું મંદિર ચોક્કસ જોવું જોઈએ. 1965 અને 1971 ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ફેંકેલા અનેક બોમ્બ અહીં ફાટ્યા નહોતા, જે આજે પણ મ્યુઝિયમમાં રાખેલા છે. તેની નજીક જ લોંગેવાલા વોર મેમોરિયલ આવેલું છે, જે ભારતીય સેનાની બહાદુરીની ગાથા કહે છે.
આ પણ વાંચો:ગોવાના બીચ છોડીને યુવાનો કેમ દોડી રહ્યા છે ગંગા આરતી જોવા? જાણો બદલાતા ટ્રેન્ડ પાછળના કારણો
આ પણ વાંચો:મિત્રો અને પાર્ટનર બંને માટે પરફેક્ટ છે ભારતના આ 5 સ્થળો, ગરમી અને તણાવથી મળશે કાયમી રાહત






