રાફેલ ડીલ મામલે ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદનાં સ્ટેટમેન્ટ બાદ પીએમ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હાલ ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે. સૌથી વધુ સવાલો મોદી પર ઉઠાવવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો એમને ખોટાં પીએમ કહી રહ્યા છે. અમુક ટ્વીટમાં એમને ‘ચોર’ પણ કહેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ‘મારા પીએમ ચોર છે’ (મેરા પીએમ ચોર હે) ઘણું ટ્રેન્ડ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કરેલાં એક સ્ટેટમેન્ટમાં મોદીને ચોર કહ્યા હતા અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આવાં બધાં ટ્વીટસ ચાલુ થઇ ગયા હતા. આ મામલે ઘણાં દિગ્ગજ ભાજપા નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં આવાં સ્ટેટમેન્ટને ‘પ્રધાનમંત્રી પદની ગરિમા અને મર્યાદા’ પર હમલો બતાવ્યો છે.
આ પહેલાં મનમોહનસિંહ અને એમની પહેલાં રાજીવ ગાંધીને પણ ‘ચોર’ કહેવામાં આવ્યા હતા. કોંગ્રેસ સરકારનાં પૂર્વ પીએમ મનમોહનસિંહને ભાજપા સાંસદોએ જ ચોર કહ્યા હતા, ત્યારે મનમોહને સંસદમાં જ કહી દીધું હતું કે તમે કોઈ એવો દેશ જોયો છે જ્યાં સાંસદ પોતાનાં જ પ્રધાનમંત્રીને ચોર કહેતા હોય. એમણે 2013 માં સંસદમાં આ વાત કહી હતી.

મનમોહન પહેલાં પણ કોંગ્રસના જ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ચોર કહેવામાં આવ્યા હતા. બોફોર્સ ઘોટાળા બાદ રાજીવ ગાંધીને ચોર કહેવામાં આવ્યા હતા. ત્યારે તો દેશભરની વિપક્ષી પાર્ટીઓએ ચુંટણીમાં નારા લગાવ્યા હતા કે ,‘ગલી ગલી મેં શોર હે, રાજીવ ગાંધી ચોર હે.’
