Modi Cabinet Reshuffle/ PM મોદીએ મંત્રી પરિષદની બેઠક બોલાવી,કેબિનટમાં ફેરબદલ થવાની અટકળો

આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જ્યાં સપ્ટેમ્બરમાં જી-20 સમિટ પણ યોજાવાની છે

Top Stories India
4 2 23 PM મોદીએ મંત્રી પરિષદની બેઠક બોલાવી,કેબિનટમાં ફેરબદલ થવાની અટકળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક બોલાવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જ્યાં સપ્ટેમ્બરમાં જી-20 સમિટ પણ યોજાવાની છે.આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદીએ બુધવારે (28 જૂન) કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે સરકાર અને ભાજપ સંગઠનમાં ફેરફારને લઈને ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદીએ 3 જુલાઈએ બોલાવેલી બેઠક બાદ મંત્રી પરિષદમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

ભાજપની બેઠક શા માટે યોજાઈ?
શાહ, નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ બુધવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સામેલ થયા હતા. માનવામાં આવે છે કે આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે.આ સિવાય 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ વાત થઈ છે. જો કે ભાજપે પીએમ મોદી સાથેની મુલાકાતને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, અમિત શાહ, નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે સંગઠનાત્મક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચાના ઘણા રાઉન્ડ કર્યા છે. અગાઉ 6ઠ્ઠી જૂને બેઠક મળી હતી. જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રના થોડા દિવસો પહેલા મંત્રી પરિષદની બેઠક યોજાઈ રહી છે. જુલાઈના ત્રીજા સપ્તાહથી ચોમાસુ સત્ર શરૂ થવાની સંભાવના છે.