Rain/ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, જૂનાગઢમાં 3 કલાકમાં જ 6 ઇંચ વરસાદ

રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌથી વધારે વરસાદ સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે

Top Stories Gujarat
Heavy Rain In Gujarat

ગુજરાતમાં ચોમાસું વિધિસર પ્રારંભ થયો છે.  હાલમાં રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌથી વધારે વરસાદ સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના વ્યારા અને વાલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ચોમાસાની શરુઆતમાંજ સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે.જૂનાગઢ શહેરમાં આજે બપોરથી કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની મહેર થતાં સાજના 4 થી 7 વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. શહેરમાં 3 કલાકમાં કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જોષીપરા વિસ્તાર ઝાંઝરડા રોડ જયશ્રી રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.

રાજ્યમાં મુશળધાર વરસાદ અવિરત રીતે ચાલુ જ છે જેના લીધે ચોમેર પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.જૂનાગઢ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે બપોર 4 વાગ્યા સુધી છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, પરંતુ તે પછી શહેરમાં મેઘરાજાએ રોદ્ર રૂપ ધારણ કરતા 3 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

શહેરમા તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચલા દાતાર વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વરસાદનાં પાણી ઘૂસી ગયા હતા. શહેરમાં અને ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે આજે શહેરને પાણી પૂરું પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો.

નોંધનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારના 6થી સાંજના 4 સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેમા 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે.મહુવામાં સૌથી વધારે છ ઈંચ વરસાદ પડ્યો છે. બારડોલીમાં પોણા પાંચ ઈંચ, પાલસણમાં બે ઈંચ, કામરેજમાં એક ઈંચ, માંડવીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. ધોલેરામાં સવા ઈંચ, અમદાવાદ શહેર, માંડલ, દસ્ક્રોઈમાં એક ઈંચ, બાવળામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં પણ આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણીજ પાણી જોવા મળ્યું હતું. હવામાન વિભાગના આંકડો મૂજબ તાપીના વ્યારા અને વાલોદમાં સાડા પાંચ ઈંચ, કુકરમુંડા અને દાલવણમાં સવા પાંચ ઈંચ, સોનગઢ, નિઝરમાં ત્રણ ઈંચ અને ઉચ્ચલમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.