Lucknow News: PM મોદી ઉત્તર પ્રદેશના લખનઉ (Lucknow)શહેરના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે લખનઉ (Lucknow)માં બનાવાયેલા રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઔપચારિક ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

65 એકરમાં વિકસિત રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ
હરદોઇ રોડ પર વસંત કુંજ યોજના હેઠળ અંદાજે 65 એકર વિસ્તારમાં આ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્થળ દેશના ત્રણ મહાન નેતાઓ અટલ બિહારી વાજપેયી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જીને સમર્પિત છે.આ સ્મારક દેશના રાજકીય, વિચારધારાત્મક અને રાષ્ટ્રીય પ્રેરણાના ઇતિહાસને ઉજાગર કરે છે.
65 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા થશે અનાવરણ
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા રહેશે, જેનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. સાથે સાથે પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જી સહિત અન્ય મહાન નેતાઓની પ્રતિમાઓનું પણ અનાવરણ કરવામાં આવશે.

વડાપ્રધાનનું જનમેદનીને સંબોધન
આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી વિશાળ જનમેદનીને સંબોધન પણ કરશે. તેઓ પોતાના ભાષણમાં અટલજીના રાજકીય જીવન, કાવ્યપ્રેમ, રાષ્ટ્રવાદી વિચારધારા અને દેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરશે.
અટલજીની વિચારધારા આજની પેઢી માટે પ્રેરણા
અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણમાં સહમતિ, સંવાદ અને વિચારની શાલીનતા માટે ઓળખાતા હતા. તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે બનતું આ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ આવનારી પેઢીને દેશભક્તિ, સેવા અને રાષ્ટ્ર નિર્માણના મૂલ્યો તરફ પ્રેરિત કરશે.
લખનઉ (Lucknow)માં સુરક્ષા અને તૈયારીઓ પૂર્ણ
PM મોદીની મુલાકાતને લઈ લખનઉ (Lucknow)માં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. શહેરને સજાવવામાં આવ્યું છે અને કાર્યક્રમ સ્થળે હજારો લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
