New Delhi News : અરવલ્લી (Aravalli) પર્વતમાળાના સંરક્ષણ મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલતા ભારતીય યુવા કોંગ્રેસે 7 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાર રાજ્યોમાં ‘અરવલ્લી સત્યાગ્રહ યાત્રા’ યોજવાની જાહેરાત કરી છે. આ યાત્રા ગુજરાતમાંથી શરૂ થઈ રાજસ્થાન અને હરિયાણામાંથી પસાર થશે અને અંતે દિલ્હીમાં સમાપ્ત થશે. દિલ્હીમાં આયોજિત પત્રકાર પરિષદમાં યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબે યાત્રાની જાહેરાત કરતા કેન્દ્ર સરકાર પર અરવલ્લી પર્વતમાળાને નબળી પાડવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.
Aravalli પર્યાવરણીય સંતુલન માટે અતિ મહત્વપૂર્ણ
ઉદય ભાનુ છિબે જણાવ્યું હતું કે અરવલ્લી (Aravalli) પર્વતમાળા માત્ર પથ્થરો અને ડુંગરોની શ્રેણી નથી, પરંતુ દેશના પર્યાવરણીય સંતુલન માટે અતિ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અરવલ્લી જળ સંરક્ષણ, ભૂગર્ભ જળ રિચાર્જ અને દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા માટે જીવનરેખા સમાન છે. છતાં કેન્દ્ર સરકાર તેની વ્યાખ્યા બદલીને ખાણકામને પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ વધી રહી છે, જે દેશના ભવિષ્ય માટે ખતરનાક છે.
યુવા કોંગ્રેસના પ્રમુખે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી પર્વતમાળામાંથી 100 મીટરથી નીચલા ડુંગરાળ વિસ્તારોને બાકાત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમનું કહેવું છે કે આ પગલું માત્ર કાનૂની શબ્દજાળ નથી, પરંતુ ખાણકામ માટે રસ્તો ખોલવાનો પ્રયાસ છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય, તો અરવલ્લીના વિશાળ વિસ્તારોમાં બેફામ ખાણકામ શરૂ થઈ શકે છે, જે પર્યાવરણને અપૂરણીય નુકસાન પહોંચાડશે.

ઉદય ભાનુ છિબે વધુમાં જણાવ્યું કે અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્વતંત્ર સમિતિ ‘સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી’ (CEC) અરવલ્લી (Aravalli) ક્ષેત્રમાં ખાણકામ પર નજર રાખતી હતી. આ સમિતિ તટસ્થ હતી અને સરકારના સીધા નિયંત્રણ હેઠળ નહોતી. તેમનો આરોપ છે કે મોદી સરકારે આ સમિતિને વિસર્જન કરી દીધી, કારણ કે તે સરકારની મનમાની સામે અવરોધરૂપ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર હેઠળના પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી અંગેનો વિવાદાસ્પદ પ્રસ્તાવ રજૂ કર્યો.
યુવા કોંગ્રેસનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા પાછળ કોર્પોરેટ હિતો કામ કરી રહ્યા છે. અરવલ્લી (Aravalli) પર્વતમાળાને નબળી પાડીને ખાણકામ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને છૂટ આપવાનો સરકારનો ઈરાદો છે. ઉદય ભાનુ છિબે કહ્યું કે સરકાર વિકાસના નામે પ્રાકૃતિક સંસાધનોનું શોષણ કરી રહી છે અને તેની સૌથી મોટી કિંમત સામાન્ય જનતા ચૂકવશે. ખાસ કરીને ખેડૂત, ગ્રામિણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ નિર્ણય ગંભીર અસર લાવી શકે છે.
અરવલ્લી સત્યાગ્રહ યાત્રાનો હેતુ માત્ર રાજકીય વિરોધ નથી, પરંતુ જનજાગૃતિ ફેલાવવાનો છે. યુવા કોંગ્રેસના કાર્યકરો ચારેય રાજ્યોમાં જનસભાઓ, પદયાત્રા અને પ્રતિકાત્મક સત્યાગ્રહ દ્વારા લોકો સુધી આ મુદ્દાની ગંભીરતા પહોંચાડશે. યાત્રા દરમિયાન પર્યાવરણ નિષ્ણાતો, સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો સાથે સંવાદ પણ યોજાશે.
યાત્રાની શરૂઆત 7 જાન્યુઆરીએ ગુજરાતમાંથી થશે, જ્યાં અરવલ્લી પટ્ટાના વિસ્તારોમાં કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ 10 જાન્યુઆરીથી યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરશે, જ્યાં અરવલ્લી (Aravalli) સૌથી વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. 15 જાન્યુઆરીથી હરિયાણામાં યાત્રા યોજાશે, જ્યાં દિલ્હી-એનસીઆરની હવા અને જળ પર પડતી અસરો પર ખાસ ભાર મૂકવામાં આવશે. 19 અને 20 જાન્યુઆરીએ યાત્રાનું સમાપન દિલ્હીમાં કરવામાં આવશે, જ્યાં કેન્દ્ર સરકાર સામે પ્રતિકાત્મક સત્યાગ્રહ અને પત્રકાર પરિષદ યોજાશે.
યુવા કોંગ્રેસનું માનવું છે કે જો અરવલ્લી (Aravalli) પર્વતમાળાની વ્યાખ્યામાં આ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે, તો તેના પરિણામો લાંબા ગાળે દેશને ભોગવવા પડશે. ભૂગર્ભ જળનું સ્તર ઘટશે, રણિકરણ વધશે અને હવાની ગુણવત્તા વધુ ખરાબ થશે. આથી, યુવા કોંગ્રેસે અરવલ્લી સત્યાગ્રહ યાત્રાને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો સંકલ્પ લીધો છે અને કેન્દ્ર સરકારને આ નિર્ણય પાછો ખેંચવા માટે દબાણ બનાવવાની તૈયારી દર્શાવી છે.
