Crime/ વટવામાં ફાયરિંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ, પિસ્ટલ સહિત જીવતા કારતૂસ કબ્જે કરાયા

વટવામાં ફાયરિંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ, પિસ્ટલ સહિત જીવતા કારતૂસ કબ્જે કરાયા

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

વટવાનાં ગામડી રીંગ રોડ પર કૌટુંબિક ઝધડાની અદાવતમાં એક યુવક પર ફાયરિંગ તેમજ અન્ય યુવક પર તલવારથી હુમલો કરવાની ધટનામાં વટવા પોલીસે ફાયરિંગ કરનાર પોલીસકર્મી સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. આ ધટનામાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સટેબલ નવધણ ભરવાડે પોતાના પાસે રહેલી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.  ત્યારે તેની સાથે આ ગુનામાં સામેલ રમેશ ભરવાડ, અક્ષય ભરવાડ અને મોન્ટુ ભરવાડ સહિત બે અજાણ્યા ઈસમોએ ભેગા મળીને પિસ્ટલ તેમજ તલવાર તેમજ ધોકાઓ સાથે પેથાભાઈ પાસે જઈને હુમલો કર્યો હતો.

આ મામલે પોલીસે પિસ્તોલ તેમજ બે જીવતા કારતુસ પણ કબ્જે કર્યા છે. ત્યારે નવધણ ભરવાડ તેમજ તેનાં ભાઈ રમેશ ભરવાડ અને મોન્ટુ ભરવાડની ધરપકડ કરી અન્ય આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ કે અસલાલી પોલીસ સ્ટેશન હદના વસઈ ગામની ભરવાડ સમાજની યુવતીને સમાજનો જ એક યુવક ભગાડી ગયો હતો. જેમાં સામાજીક જઘડો હોવાથી 19મી ફેબ્રુઆરીએ બન્ને પક્ષે સામસામી મામામારી થઈ હતી. જે મારામારીમાં નવધણ ભરવાડના કાકાને સામાપક્ષે માર માર્યો હોવાથી તેની અદાવત રાખીને ફરિયાદી પેથાભાઈ ભરવાડને ગોળી મારી હતી.

આરોપી નવધણ ભરવાડ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો પણ છેલ્લાં 8 મહિનાથી ફરજ પરથી ગેરહાજર રહેતો હતો. જેથી તેની સામે શિસ્તભંગનો ગુનો પણ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયો હતો.  ત્યારે પોલીસ કોન્સટેબર નવધણ ભરવાડ આ પિસ્ટલ ક્યાંથી લાવ્યો અને કોના કહેવાથી પેથાભાઈ પર ફાયરિંગ કર્યુ તે બાબતે તપાસ ચાલી રહી છે.