Vadodara News : વડોદરાના તાંદલજા વિસ્તારમાં વધુ એક સનસનાટીપૂર્ણ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમાં દિવસે પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પરિવારે પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, 18 નવેમ્બરની રાત્રે 15થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી, પરિવારે આરોપ લગાવતાં કહ્યું છે કે, ઈર્શાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કરવામાં આવ્યો હતો અને પછી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. 32 વર્ષીય ઈર્શાદ વણઝારાની હત્યા તેની પત્ની ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોસિફ અને અન્ય એક શખ્સ સાથે મળીને ષડયંત્ર રચીને કરી હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે.
જોકે, પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માનીને 19 નવેમ્બરના રોજ ઇર્શાદની દફનવિધિ પણ કરી દીધી હતી.દફનવિધિ બાદ મૃતકના પરિવારને શંકા જતાં તેને પત્ની ગુલબાનુના મોબાઇલ ફોનની તપાસ કરી હતી. આ તપાસમાં તેમને જાણવા મળ્યું કે પત્ની ગુલબાનુએ સતત કોઈ એક જ નંબર પર લાંબા સમય સુધી ફોન કર્યા હતા, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની હતી.આ શંકાના આધારે, હત્યાની સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
વડોદરાના તાંદલજા ચોક પાસે રહેતા ઈર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું 18 નવેમ્બરની રાત્રે મોત થતા પરિવારજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પાંચ સભ્યોના હસતા-રમતા પરિવારમાં અચાનક એક એવો સન્નાટો છવાઈ ગયો હતો. શરૂઆતમાં ઈર્શાદ બંજારાનું મોત એક સામાન્ય અંત જેવું લાગ્યું. પરંતુ પત્નીના ચહેરા પર કોઈ પ્રકારનો શોક જોવા ન મળતા પરિવારજનોનો શંકા ગઈ હતી.
જેથી તેમણે જેપી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. આથી મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાનો પોલીસ અધિકારીએ નિર્ણય કર્યો હતો, જેથી મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો હતો. અને મૃતદેહને બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.મૃતકના ભાઈ ઈમ્તિયાઝ અબ્દુલ કરીમ બંજારાએ જણાવ્યું હતું કે, 18 નવેમ્બરના રોજ રાત્રે મારા નાના ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
પાણી પીધા બાદ તેને ચક્કર આવતા તે પડી ગયો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ ઉપર સુવડાવી દીધો હતો. તેની પત્નીએ ત્યારબાદ વહેલી સવારે ત્રણ વાગે કહ્યું હતું કે, તેના પતિનું મોત થયું છે. બાદમાં સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા. અમે નોર્મલ મૃત્યુ સમજીને તેની દફનવિધિ કરી હતી.
ઈમ્તિયાઝે વધુમાં કહ્યું કે, મારા ભાઈના મૃત્યુ બાદ તેની પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો શોકનું ભાવ દેખાતો નહોતો. તેને કોઈ ફરક જ પડ્યો નહોતો. જેથી અમને શંકા ગઈ હતી. જેથી અમે મારી ભાઈની પત્નીના મા-બાપને બોલાવીને તેમની હાજરીમાં પૂછપરછ કરી હતી. જેમાં તેને પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.મૃતકના ભાઈએ કહ્યું કે, મારું કહેવું છે કે મારા ભાઈની પત્ની અને બે લોકોએ મળીને મારા ભાઈની હત્યા કરી છે. અમને ન્યાય મળવો જોઈએ. મારા ભાઈના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
યુવકના મૃતદેહને જેપી રોડ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આગળની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ સમગ્ર હત્યાના ષડયંત્રની હકીકત સામે આવશે.

