Not Set/ ખેડામાં પોલીસ સફાળી જાગી, બંધબારણે યોજાઈ રહેલા લગ્નો ઉપર ત્રાટકી પોલીસ

પ્રજાની બેદરકારી કોરોના ફેલાવવામાં ખૂબ જ મહત્ત્વની બની હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં કોરોનાનો ચેપ લાગેલા દર્દીઓ હોસ્પિટલમાં બેડ શોધે છે. ઓક્સિજન માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ હજી પણ લોકો બેદરકારી દાખવી સરકારના નિયમોનું સરેઆમ ભંગ કરી લગ્ન જેવા પ્રસંગોમાં પ્રજા મસ્ત બની ઝૂમી રહી છે ત્યારે નાછૂટકે પોલીસને આવા લોકો […]

Gujarat

પ્રજાની બેદરકારી કોરોના ફેલાવવામાં ખૂબ જ મહત્ત્વની બની હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં કોરોનાનો ચેપ લાગેલા દર્દીઓ હોસ્પિટલમાં બેડ શોધે છે. ઓક્સિજન માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ હજી પણ લોકો બેદરકારી દાખવી સરકારના નિયમોનું સરેઆમ ભંગ કરી લગ્ન જેવા પ્રસંગોમાં પ્રજા મસ્ત બની ઝૂમી રહી છે ત્યારે નાછૂટકે પોલીસને આવા લોકો સામે લાલ આંખ કરવાની ફરજ પડી છે. ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન લગ્ન પ્રસંગોમાં અને એક ચૌલક્રિયા પ્રસંગમાં પોલીસ ત્રાટકી હતી અને કુલ ૨૭ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર આંતરસુબા પોલીસે કપડવંજ તાલુકાના આંત્રોલીમાં લગ્નનું આયોજન કરનાર ચંપક પરમાર સામે તથા કપડવંજ ગ્રામ્ય પોલીસે દંતાલી તાબેના નવા મુવાડામાં લગ્નનું આયોજન કરનાર શના પરમાર સામે, નડિયાદ તાલુકાના ચકલાસીમાં પોલીસે લગ્નનું આયોજન કરનાર રણજીત વાઘેલા, હિતેશ વાઘેલા, રાજેશ વાઘેલા, ગોરધન વાઘેલા, અરવિંદ વાઘેલા અને વિક્રમ વાઘેલા સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત ઠાસરાના ખિજલપુરમાં ભરત સિંધવા, બટુક પોકીયા, જયદીપ વૈષ્ણવ સામે ડાકોર પોલીસે અને ઠાસરાના શાહપુરમાં મહેશ પરમાર સામે ઠાસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આવીજ રીતે કઠલાલ પોલીસે લસુન્દ્રામાં ચૌલક્રિયા પ્રસંગમાં મફત પરમાર સામે તો ખેડા પોલીસે રઢૂમાં લગ્નનું આયોજન કરનાર પ્રવિણસિંહ સિસોદીયા સામે, માતર પોલીસે માતર મુકામે લગ્નનું આયોજન કરનાર ભરતસિંહ પરમાર તથા લીંબાસી પોલીસે ભલાડા ગામે લગjનું આયોજન કરનાર કનુ પરમાર સામે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી છે. આ સિવાય મહેમદાવાદ પોલીસે ચાર ફરિયાદમાં વણસોલ સૂંઢા ગામે જગદીશ ચૌહાણ, નવરંગપુરામાં પુનમ ચૌહાણ, રોહિસામાં ભગવાન રાવળ, જીભઈપુરામાં વિનોદસિંહ ઝાલા સામે કોવિડના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

તો વળી નડિયાદ ગ્રામ્ય પોલીસે ત્રણ બનાવમાં પીપળાતા મુકામે અરવિંદ પરમાર સામે, જુના બિલોદરામાં કાનજી સોઢા તથા હઠીપુરામાં રયજી ગોહિલ વિરૂદ્ઘ ફરિયાદ નોંધી છે. જ્યારે ગળતેશ્વર તાલુકાના થર્મલમાં વિજય બારૈયા અને મીઠાના મુવાડામાં અરવિંદ રાઠોડ વિરૂદ્ઘ સેવાલિયા પોલીસે જાહેરનામાનું ઉલ્લંઘન કરતાં ફરિયાદ નોંધી છે. આ તમામ લોકોએ ક્યાંક પરમિશન વગર તો ક્યાંક મર્યાદા કરતા વધુ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં બોલાવતા પોલીસે કાર્યવાહી કરી છે. આમ પોલીસ કોરોનાનો ચેપ અટકે તે માટે સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરાવી રહી છે.