New Delhi News/ હવે પાણીમાં નહીં પલળે નોટ, લાંબા સમય સુધી ચાલશે! 10-20 રૂપિયાની પોલિમર નોટોને સરકારની મંજૂરી

ભારતમાં પહેલીવાર 10 અને 20 રૂપિયાની પોલિમર નોટો (Polymer Notes)ના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી. બંને મૂલ્યની 100-100 કરોડ નોટો આવશે, પરંતુ કાગળની જૂની નોટો પણ બજારમાં સતત ચાલુ રહેશે.

India Breaking News Business
polymer notes

New Delhi News: ભારતમાં હવે ટૂંક સમયમાં Polymer Notes એટલે કે પ્લાસ્ટિક આધારિત નોટો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે. બંને મૂલ્યની 100-100 કરોડ નોટો જાહેર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે. જોકે, નવી નોટો આવવાથી હાલની કાગળની નોટો બંધ થવાની નથી અને બંને પ્રકારની નોટો એકસાથે ચલણમાં રહેશે.

10 અને 20 રૂપિયાની Polymer Notesનું ફિલ્ડ ટ્રાયલ થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે બંને મૂલ્યની કુલ 200 કરોડ પોલિમર નોટોનું પરીક્ષણ કરવામાં આવશે.

ફિલ્ડ ટ્રાયલ સફળ થયા બાદ આ પ્રકારની નોટો નિયમિત રીતે જાહેર કરવાની દિશામાં આગળ વધી શકાય છે. નાણામંત્રી (Nirmala Sitharaman)એ સ્પષ્ટ કર્યું છે કે પોલિમર નોટો હાલની કાગળ આધારિત નોટોની સાથે જ ચલણમાં મૂકવામાં આવશે.

પ્લાસ્ટિકની નોટો લાવવાનો હેતુ શું?

પોલિમર નોટો ખાસ પ્રકારના પ્લાસ્ટિક મટીરીયલ પર છાપવામાં આવે છે. તે સામાન્ય નોટોની જેમ હળવી હોય છે, પરંતુ પાણી, ભેજ અને ગંદકીની અસર સામે વધુ ટકાઉ માનવામાં આવે છે. સરળતાથી ફાટી ન જતી હોવાથી તેની ઉપયોગી આવરદા કાગળની નોટ કરતાં વધુ હોય છે.

આ નોટોમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓ ઉમેરવાની પણ શક્યતા રહે છે, જેના કારણે નકલી નોટો બનાવવાનું મુશ્કેલ બની શકે છે. લાંબા સમય સુધી ચાલતી હોવાથી વારંવાર નોટ છાપવાની જરૂરિયાત ઘટી શકે છે અને સરકારને ખર્ચમાં પણ બચત થઈ શકે છે.

જૂની કાગળની નોટો બંધ થશે કે નહીં?

સરકાર અને આરબીઆઈના જણાવ્યા મુજબ પોલિમર નોટો આવવાથી હાલની કાગળ (Currency Notes)ની નોટો અચાનક બંધ કરવામાં આવશે નહીં. બંને પ્રકારની નોટો સાથે ચલણમાં રહી શકે છે અને લોકોને તબક્કાવાર નવી નોટો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ફેરફારને લઈને લોકોને નોટબંધી જેવી સ્થિતિ સર્જાશે તેવી ચિંતા કરવાની જરૂર નથી. જૂની કાગળની નોટો માન્ય રહેશે અને નવી નોટો ધીમે ધીમે ચલણમાં સામેલ કરવામાં આવશે.

દુનિયાના 60થી વધુ દેશોમાં પોલિમર નોટો

વિશ્વના 60થી વધુ દેશોમાં પોલિમર નોટોનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોએ પણ આ પ્રકારની નોટોને ચલણમાં સામેલ કરી છે.

ભારતમાં પણ અગાઉ નોટોની શેલ્ફ લાઇફ વધારવા માટે પોલિમર નોટો અંગે વિચારણા થઈ ચૂકી છે. હવે ફરીથી આ પ્રસ્તાવ આગળ વધ્યો છે. RBIએ પોલિમર નોટોના ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કર્યા બાદ ફિલ્ડ ટ્રાયલનો માર્ગ ખોલ્યો છે.

દેશમાં અગાઉ 1946, 1978 અને 2016માં મોટા મૂલ્યની નોટોને બંધ કરવાના મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોકે, હાલની પોલિમર નોટની પ્રક્રિયા નોટબંધીથી અલગ છે. અહીં હેતુ નોટોની ટકાઉપણું વધારવાનો છે.


આ પણ વાંચો:સુરતમાં ત્રણ લોકો સામે ED દ્વારા કરાઇ કાર્યવાહી, નોટબંધી વખતે 60 કરોડ જમા કરાવ્યા
આ પણ વાંચો:આજે નોટબંધીને નવ વર્ષ પૂર્ણ થયા છે, આજે પણ બધાને તે દ્રશ્ય યાદ છે, શું તમે ભુલ્યા તો નહીંને
આ પણ વાંચો:નોટબંધીને કારણે કાળું નાણું થયું સફેદ, સુપ્રીમ કોર્ટના જજે ઉઠાવ્યા મોટા સવાલો