10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ગુજરાતના 3 શહેરો
અમદાવાદ, સુરત, વડોદરાનો વધુ વસ્તીવાળા શહેરોમાં સમાવેશ
10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરમાં ગાંધીનગરનો સમાવેશ
ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અનુસાર દેશમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરવામાં આવીછે. આ યાદીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતના ત્રણ શહેરોનો પણ સમાવેશ થાય છે. જયારે 10 લાખથી ઓછી વસ્તી વાળા શહેરમાં પાટનગર ગાંધી નગરનો પણ સમાવેશ થાય છે.

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અનુસાર 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોમાં બેંગાલુરુ દેશનું સૌથી શ્રેષ્ઠ શહેર બન્યું છે. જયારે 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં શિમલા ટોપ પર રહ્યું છે.
10 લાખ કરતા વધારે વસતી ધરાવતા દેશના શ્રેષ્ઠ રહેવાલાયક ટોપ ટેન શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થયો છે. જેમાં અમદાવાદ શહેરને ત્રીજુ સ્થાન મળ્યું છે. જ્યારે સુરત પાંચમા અને વડોદરા શહેર આ યાદીમાં આઠમા ક્રમે છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ગુરુવારે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ રેન્કિંગ્સ -2020 જાહેર કર્યું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ આ અહેવાલ બહાર પાડ્યો છે. વિશેષ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી આ બંને કેટેગરીમાં 10 મા નંબર પર પણ પહોંચી શકી નથી. દિલ્હી 13 માં ક્રમે આવી ગયું છે.
દેશના 111 શહેરોએ રહેવા માટેના શ્રેષ્ઠ શહેરોની રેન્કિંગમાં ભાગ લીધો હતો. શહેરોને બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ કેટેગરીમાં 1 મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી કેટેગરીમાં 1 મિલિયનથી ઓછી વસ્તીવાળા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સર્વે 19 જાન્યુઆરી, 2020 થી માર્ચ 2020 સુધી કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 32 લાખ 20 હજાર લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ અભિપ્રાય ઓનલાઇન પ્રતિસાદ, ક્યૂઆર કોડ, રૂબરૂ સહિત વિવિધ માધ્યમો દ્વારા લેવામાં આવ્યો હતો. તે પછી બધા 111 શહેરોની સમીક્ષા કરવામાં આવી અને તેમને રેન્કિંગ આપવામાં આવ્યું.
