હિન્દી સિનેમા જગતની એવી અભિનેત્રી જેની સુંદરતા પાછળ કેટલાય લોકો પાગલ થઇ ગયા હતા. એક એવી અભિનેત્રી જેને પોતાના અભિનયના જાદુથી લોકોના દિલ પર દાયકાઓ સુધી રાજ કર્યું. અને આ અભિનેત્રી એટલે શર્મિલા ટાગોર. જી, હા જેમને કોઇ જ ઓળખાણની જરૂર નથી. લગ્ન હોય, ઘરસંસારહોય કે પછી બાળકો અને પૌત્ર-પૌત્રીઓ દરેકને બરોબરરીત સાચવવાના પ્રયત્ન તેમને કર્યા છે. બોલીવુડમાં તેમને જે સન્નમાન પ્રાપ્ત કર્યુ છે તે ઘણી ઓછી અભિનેત્રીઓને મળ્યુ હશે. તેમની એક જુદી જ અદા હતી જેના કાયર તેમના ચાહકો થતા. આજે શર્મિલા ટાગોરનો જન્મદિવસ છે. માત્ર તેર વર્ષની નાની ઉંમરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે નાતો જોડી દીધો હતો. સત્યજીત રાયની ફિલ્મ ‘અપૂર સંસારથી તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ.

8 ડિસેમ્બર 1944ના રોજ આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં હિન્દુ બંગાળી પરિવારમાં જન્મેલા શર્મિલા ટાગોરનું અંગત અને વ્યાવસાયિક જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે. ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘સફર’, ‘કશ્મીર કી કલી’, ‘મૌસમ’, ‘તલાશ’, ‘વક્ત’, ‘ફરાર’, ‘આમને-સામને’ જેવી ફિલ્મો શર્મિલાજીની સફળ ફિલ્મોની યાદી છે. જયારે મૌસમ, અનુપમા, સત્યકામ, બંધન, આવિષ્કાર, એકલવ્ય, સફર, દૂસરી દુલ્હન, અમાનુષ જેવી ફિલ્મો શર્મિલા ટાગોરની ઓળખ બની ગઈ હતી. તેમને 2013માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્નમાનીત કરવામાં આવ્યા છે. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે શર્મિલાજીના નાની નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોરની દોહિત્રી હતા.

ફિલ્મ કારકિર્દી દરમિયાન તેમના નામ અનેક મોટા સ્ટાર સાથે જોડાયા હતા. પરંતુ તેમને જીવનસાથી માટેકોઇ અભિનેતા નહીં એક ક્રિકેટર પર પોતાની પસંદગીઉતારી. શર્મિલાએ 27 ડિસેમ્બર, 1969ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, પટૌડીના નવાબ મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા.. લગ્ન પછી શર્મિલાએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને આયેશા સુલ્તાન બન્યા. 2011માં 70 વર્ષની વયે પટૌડીજીનું અવસાન થયું અને શર્મિલા બે દિકરીઓ અને દિકરા માટે માતા-પિતાની બન્નેની ભૂમિકા નિભાવવામાં વ્યસ્ત બન્યા.

77 વર્ષની ઉંમરમાં પણ શર્મિલાએ પોતાની જાતને ખૂબ જ સુંદર રીતે જાળવી રાખી છે. પરિવારને આજે પણ જોડીને રાખવાનું કામ કરે છે. કોરોડો રૂપિયાના આસામી શર્મિલા આજે ભલે ફિલ્મો સાથે જોડાયેલા નથી. પરંતુ તેમનો ફિલ્મો સાથેનો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તેમની સાથેનો નાતો આજે પણ અજોડ છે.
