રાજકોટ
અમદાવાદમાં ગઈકાલે સરકારી વસાહતના બે બ્લોક તુટી પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં તંત્રની પોલ ખુલી પડી હતી, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ હતું, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત હતાં. ત્યારે ઇમારત પડવાના કારણે અફરા-તફરી મચી ગઇ હતી. જેને લઇને રાજકોટ મનપા તંત્ર પણ શહેરમાં આ પ્રકારના આવાસો અને ઇમારતોને લઇને દોડતું થયું છે.
રાજકોટમાં પણ આવી કોઇ ઘટના ન સર્જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીએ શહેરમાં આવેલા તમામ જર્જરિત આવાસો અને ઇમારતો અંગે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને મનપાની બાંધકામ શાખા, આવાસ યોજનાના સંબંધીત વિભાગો તેમજ ફાયરબ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉપરાંત આવા પ્રકારના જોખમી બાંધકામમાં રહેતા રહેવાસીઓને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમજ જરૂર પડી તો આવા આવાસો ખાલી પણ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું કે, રાજકોટમાં આ પ્રકારના આવાસો અંગે કાર્યવાહી કરવા મનપા તંત્રએ રહેવાસીઓને નોટિસ પાઠવી છે. તેમજ જો જરૂર પડે તો આ પ્રકારના જર્જરીત આવાસો મનપા દ્વારા ખાલી પણ કરાવી શકાશે.
