Not Set/ રણમાં મીઠાના પાટાના તળીયા બાંધવા મોટરસાયકલ પર રોલર બનાવ્યું

આ અનોખા પ્રયોગ થકી રણમાં મીઠાના પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવાનો સમય બચશે

Top Stories Gujarat

રણમાં “કાળી મજૂરી થકી સફેદ મીઠું” પકવતા અગરિયા સમુદાયનો સૌથી વધુ સમય મીઠું પકવવા માટે પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવામાં જતો હોય છે. જેને પડાલી કહેવામાં આવે છે. જેમાં સમય અને શક્તિનો વેડફાટ થતો હોય છે. ત્યારે વેરાન રણમાં મીઠું પકવતા એક અભણ અગરિયાએ પોતાની આગવી કોઠાસૂઝથી મોટરસાયકલ પર આગવુ રોલર બનાવતા રણમાં મીઠું પકવતા અંદાજે 2000 અગરિયા પરિવારો માટે સોનાનો સુરજ ઉગ્યો છે.

રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 2000 અગરિયા પરિવારો વર્ષના આઠ મહિના પોતાના ભુલકાઓ સહિતના પરિવારજનો સાથે રણમાં કંતાનના ઝુપડામાં પડાવ નાખી શિયાળામાં ગાત્રો થીજાવતી 5 ડીગ્રી અને ઉનાળામાં આગ ઓકતી 50 ડીગ્રી તાપમાનમાં રણમાં “કાળી મજૂરી થકી સફેદ મીઠું” પકવતા અગરિયા સમુદાયનો સૌથી વધુ સમય મીઠું પકવવા માટે પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવામાં જતો હોય છે. અગરિયા સમુદાય રણમાં મીઠું પકવવા જાય ત્યારે જમીન સૂકાઇને આખા રણમાં તીરાડો પડી જાય છે.

એટલે અગરિયાઓને સૌપ્રથમ કૂવો ખોદીને પાણી કાઢીને જમીન પલાળવી પડે છે. ત્યારબાદ ઘરના જેટલા સભ્યો હોય તે બધા આ પાટાની પલાળેલી જમીન પર અવર-જવર કરીને પગલી આપે છે જેને ‘પડાલી’ કહેવામાં આવે છે. જેનાથી જમીનમાં રહેલી તિરાડો પુરાઇ જાય છે. અને બાદમાં તળીયું કાઠુ રોડ જેવું બની જાય પછી તેમાં મીઠું પકવવાની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ આ બધી પ્રક્રિયામાં અગરીયાનો સમય અને શક્તિ ખુબ વપરાઇ જાય છે.

ત્યારે દસાડા મંડળીમાં પેઢી દર પેઢી પરંપરાગતરીતે મીઠું પકવતા અભણ અગરિયા બાબુભાઇ વીંધાણીએ પોતાની આગવી કોઠાસૂઝ થકી ગેરેજ ચલાવતા પોતાના ભાઇ સાથે મળીને મોટરસાયકલના આગળ-પાછળના બંને ટાયર કઢાવી ત્યાં પથ્થરના રોલર ફીટ કરાવી પાછળની બંને બાજુ બેરીંગ, ચક્કર અને ચેઇન ફીટ કરાવી 15 દિવસની આકરી મહેનત બાદ રણમાં મીઠું પકવવા માટેનું એક અનોખુ રોલર તૈયાર કર્યું હતુ.

રણમાં મીઠું પકવતા દરેક અગરિયાને જે કામ પરિવારના 3-4 સભ્યો દ્વારા અઠવાડિયા સુધી કરવામાં આવતું કામ એક વ્યક્તિ દ્વારા કલાકોમાં જ થઇ જાય છે. મારૂ પડાલીનું કામ પુરૂ થયા બાદ આજુબાજુના મીઠું પકવતા અગરિયાઓ મારૂ આ મોટરસાયકલ લઇ જઇ પડાલીનું કામ કરે છે. જેમને પરિવારમાં કોઇ સભ્ય નથી એવા મારા જેવા એકલ દોકલ માણસ માટે હવે રણમાં મીઠાના પાટામાં તળીયા બાંધવાનું કામ ખુબ આસાન થઇ ગયું છે.