સાતેય નગર નિગમ અને તમામ ૧૦૯ નગરપંચાયત પરિષદમાં કોંગ્રેસની બહુમતી
વોર્ડ બેઠકોમાં ભાજપ અપક્ષોને ગણીએ તો પાંચમાં સ્થાને ધકેલાયું
ભારતના ખેતીપ્રધાન દેશમાં જેનું મોખરાનું સ્થાન છે અને જ્યાંના ખેડૂતોએ ૩ કૃષિકાયદાના વિરોધમાં શરૂ કરેલું આંદોલન હવે દેશના એક પછી એક રાજ્યોમાં પ્રસરી રહ્યું છે. તેવે સમયે પંજાબની સ્થાનિક ચૂંટણીના પરિણામોએ ઘણા રાજકીય વિશ્લેષકો અને પક્ષોને માથું ખંજવાળતા કરી દીધા છે. પંજાબમાં ૨૦૧૭થી કોંગ્રેસની સરકાર જુથબંધીના ભોરિંગ વચ્ચે પણ ચાલે છે. કેપ્ટન અમરિન્દર સિંઘ બાહ્ય અને આંતરિક પડકારોનો સામનો કરીને સરકાર ચલાવે છે. ત્યાં અત્યાર સુધી યોજાઈ ગયેલી ૪ માંથી ૩ પેટા ચૂંટણી કોંગ્રેસ જીતી છે. જ્યારે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ ત્યાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે. આ સંજોગો વચ્ચે ત્યાં ૭ નગરનિગમ, ૧૦૯ નગરપાલિકા કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી. ૨૨૦૦ જેટલા વોર્ડની યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૭૧ ટકાથી વધુ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત મુખ્ય વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી મેદાનમાં હતી તો કૃષિ કાયદાના પ્રશ્ને ભાજપનો સાથ છોડનાર શિરોમણી અકાલી દળ પણ મેદાનમાં હતું. ભાજપ પણ લડ્યું હતું અને બસપાએ પણ બાજી લગાવી હતી.

આ સ્થાનિક ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તેમાં કોંગ્રેસે સાતેય નગરનિગમમાં બહુમતી મેળવી છે. મોગા, હોશિયારપુર, કયુરથલા, અબોહટ, પઠાણકોટ, બટાલા અને ભટીન્ડા નગરનીગમોમાં સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જ્યારેઆ સાત પૈકી ભટીન્ડા નગરનિગમ તો છેલ્લા ૫૩ વર્ષથી શીરોમણી અકાલી દળ પાસે હતું તે ભારે બહુમતી સાથે છીનવી લીધું છે. આ ભટીન્ડા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસીમરત કોર બાદલના સંસદીય મત વિસ્તારમાં છે તો ભટીન્ડા શહેરના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મનપ્રિતસિંહ બાદલ છે અને તે પંજાબ સરકારના પ્રધાનમંડળમાં પણ મહત્ત્વનો હોદ્દો ધરાવે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ૨૦૩૭, અકાલી દળના ૧૫૬૯, ભાજપના ૧૦૦૩ અને આમ આદમી પાર્ટના ૯૦૦ કરતા વધુ ઉમદવારો મેદાનમાં છે અને વોર્ડની વાત કરીએ તો ૨૨૦૭ વોર્ડ હતા.

જે પ્રાથમિક અહેવાલો મળ્યા છે તે પ્રમાણે ૭ નગરનિગમ (મહાપાલિકા) ઉપરાંત ૧૦૯ નગરપરિષદ કે કાઉન્સિલની ચૂંટણી યોજાઈ છે તેમાંથી તમામ ૧૦૯ સ્થાનિક સંસ્થાઓમાં કોંગ્રેસે બહુમતી મેળવી લીધી છે. આ પરિણામોમાં બીજી મહત્ત્વની વાત એ છે કે જાણીતા ફિલ્મ અભિનેતા સન્ની દેઓલ જ્યાંના સાંસદ છે તે ગુરૂદાસપુર શહેરના નગર નિગમમાં તમામ ૨૬ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે અને વર્ષો સુધી ભાજપના ગઢ રહેલા આ નગરમાં ભાજપના સુપડાં સાફ કર્યા છે. આ કાંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય. આશ્ચર્યની વાત એ છે કે જે રીતે યુપી, બિહાર સહિતના દેશના ઘણા રાજ્યોમાં કોંગ્રેસ પાછળના ક્રમે ધકેલાઈ ગઈ છે તે જ રીતે આ વખેત પંજાબમાં કેન્દ્રનો સત્તાધારી પક્ષ શીરોમણી અકાલીદળ અને આમ આદમી પાર્ટી પછીના ક્રમે ધકેલાઈ ગયો છે.
કુલ બેઠકો પ્રમાણે પરિણામોની પ્રાથમિક વિગતો મળી છે તે પ્રમાણે કોંગ્રેસને ૧૧૦૨ કરતા વધુ વોર્ડમાં જીત મળી છે. શીરોમણી અકાલી દળને ૨૫૨, ભાજપને ૨૯ એ આમ આદમી પાર્ટીને ૫૧, બસપાને ૫ અને અપક્ષોને ૩૭૪ વોર્ડમાં જીત મળી છે. પંજાબની સ્થાનિક ચૂંટણીમાં અન્ય હોદ્દેદારોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ આગળ છે. પંજાબના જે ૨૨ જિલ્લાઓમાં ચૂંટણી યોજાયેલી તે તમામ જિલ્લાની મોટાભાગની સ્થાનિક સંસ્થાઓમાં કોંગ્રેસે જીત મેળવી છે. અમુક જિલ્લાઓ તો એવા છે કે જ્યાં શીરોમણી અકાલી દળ કે ભાજપ ખાતું પણ ખોલી શક્યા નથી. ૮૦ ટકા કરતાં વધુ સ્થાનિક સંસ્થાઓ અને ૮૦ ટકા કરતાં વધુ વોર્ડોમાં દબદબો મેળવ્યો છે. બેઠકો અને નગર નિગમના હોદ્દાઓની કુલ સંખ્યાનો સરવાળો માંડીએ તો નિષ્ણાતોના કહેવા પ્રમાણે શીરોમણી અકાલી દળ ભાજપ આમ આદમી પાર્ટી બસપા અને અપક્ષોના કુલ સરવાળા કરતાં વધુ વોર્ડ, બેઠકો, કોંગ્રેસે મેળવી છે. અપક્ષોનો નંબર બીજો છે. અકાલી દળનો નંબર ત્રીજો આમ આદમી પાર્ટી ચોથા નંબરે અને ભાજપ પાંચમા નંબરે છે. પક્ષ તરીકે ગણો તો ભાજપા ચોથા નંબરે છે. આમ કોંગ્રેસની બિહાર, મહારાષ્ટ્ર, યુપીની વિધાનસભાની ચૂંટણીમાં જે સ્થિતિ છે તે સ્થિતિ પંજાબમાં છે.’

પંજાબ વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસને ૭૦ બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટી બીજા નંબરે અને શીરોમણી અકાલી દળ અને ભાજપનું જોડાણ ત્રીજા નંબરે ધકેલાઈ ગયું હતું. પ્રાથમિક પરિણામો અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી હતી તેથી તમામ પ્રચાર માધ્યમોએ આ ચૂંટણીના પરિણામોની નોંધ લીધી છે. પરંતુ હૈદરાબાદ નગર નિગમના પરિણામોની જે રીતે ચર્ચા કરેલી તેની ચર્ચા કરી નથી. પંજાબમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજા જઈ રહી છે ત્યારે ઘણા વિશ્લેષકો પંજાબની આ ચૂંટણીને સેમીફાઈનલ સમાન ગણાવતા હતા તો આ સેમિફાઈનલમાં કોંગ્રેસે બાજી મારી લીધી છે અને ભાજપ છેક પાછળના ક્રમે ધકેલાઈ ગયું છે.\
ચૂંટણી પછી હારનારા પક્ષો પછી કોંગ્રેસ હોય કે ભાજપ અગર તો અન્ય કોઈ પક્ષ હોય તે ચૂંટણીમાં ગેરરિતીના આક્ષેપો કરે છે. તેવા આક્ષેપો આ ચૂંટણીમાં પણ થવા શરૂ થઈ ગયા છે. વિધાનસભામાં ભાજપ અકાલી જાેડાણનો જે ધબડકો થયેલો તેવો ધબડકો ભાજપનો થયો છે. કૃષિકાયદાના વિરોધમાં ભાજપનો સાથ છોડનાર અકાલીદળ પણ પોતાની જૂની તાકાત અને ગઢ જાળવી શક્યો નથી.

હવે કોંગ્રેસ આ વિજય માટે કેપ્ટન સરકારની કામગીરીને જવાબદાર ગણે છે અને કોંગ્રેસના આગેવાનો હવે એવો દાવો કરતાં થઈ ગયા છે કે આ તો ટ્રેલર છે પુરૂ પિકચર તો ૨૦૨૨માં જોવા મળશે. જો કે વિજય મેળવનાર પક્ષના આગેવાનો હરખપદુડા થાય તો કોઈને વાંધો નથી પરંતુ આમા અહંકાર કે અભિમાનનું તત્વ ન ઘૂસી જાય તો સારૂ. આ અંગે ગુજરાતના કોંગ્રેસી આગેવાનો પૈકીના કેટલાક એવો અભિપ્રાય આપે છે કે જો પંજાબમાં કોંગ્રેસે વિજયની ઉજવણી કરવાલાયક વિજય મેળવ્યો છે. લોકોના ટેકાથી મેળવેલો વજય છે. તેની ટકોર સ્થાનિક ચૂંટણીમાં ભાજપે જે બીનહરિફ બેઠકો મેળવી તેના વિજયની ઉજવણી કરે છે તેની સામેની આ ટકોર છે પરંતુ રાજકીય નિષ્ણાતો કહે છે કે કૃષિકાયદા સામે ખેડૂતોના વિરોધને પંજાબની આમ જનતાએ પણ ટેકો આપ્યો છે અને ખેડૂત આંદોલન તેના એવી એપી સેન્ટર સમા પંજાબમાં તો કોંગ્રેસને ફળ્યું જ છે.
@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર
