Prajwal Revanna Jail Mobile Seizure and Porn Videos News: બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં બંધ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના મોબાઈલ ફોનમાંથી 90 પોર્ન વીડિયો મળી આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જપ્ત કરાયેલા મોબાઈલની હાલ ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. તપાસકર્તાઓ ફોનમાં રહેલા વીડિયો, તસવીરો અને અન્ય ડિજિટલ ડેટાની તપાસ કરી રહ્યા છે. આ સામગ્રી ક્યાંથી આવી અને તેનો કોઈ ગુનાહિત કેસ સાથે સંબંધ છે કે નહીં, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
જેલમાં દરોડા બાદ નવી FIR
મળતી માહિતી પ્રમાણે, સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે CCB દ્વારા મંગળવારે બેંગલુરુની જેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રજ્વલ રેવન્ના પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા બાદ નવી FIR નોંધવામાં આવી છે. જેલમાં અંડરટ્રાયલ કેદી તરીકે બંધ પ્રતાપ રાયને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે મોબાઈલના ડિજિટલ ડેટાની તપાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા
પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) JDS નેતા અને ધારાસભ્ય એચડી રેવન્નાના પુત્ર તથા પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર છે. તેઓ મહિલાઓ સાથે જોડાયેલા બળાત્કારના કેસમાં દોષિત ઠર્યા બાદ ઓગસ્ટ 2025થી આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
પ્રજ્વલના(Prajwal Revanna) પરિવારના ફાર્મહાઉસમાં કામ કરતી 47 વર્ષીય મહિલાએ એપ્રિલ 2024માં તેમની સામે FIR નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2021થી તેની સાથે અનેક વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ઘટના અંગે કોઈને જાણ કરવામાં આવે તો વીડિયો લીક કરવાની ધમકી આપવામાં આવી હતી. કોર્ટે 18 જુલાઈ 2025ના રોજ કેસની સુનાવણી પૂર્ણ કરી હતી. પ્રજ્વલ સામે બળાત્કાર, ડોકિયું કરવું(છુપાઈને ખાનગી ક્ષણો જોવાનો આરોપ), ગુનાહિત ધમકી અને અશ્લીલ તસવીરો લીક કરવા સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
Prajwal Revanna કોર્ટે ફટકાર્યો હતો દંડ
પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ્સની સ્પેશિયલ કોર્ટે 1 ઓગસ્ટ 2025ના રોજ પ્રજ્વલ રેવન્નાને(Prajwal Revanna) દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ 2 ઓગસ્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી અને 11.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાંથી 11.25 લાખ રૂપિયા પીડિતાને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પ્રજ્વલ વિરુદ્ધ બળાત્કારના વધુ ત્રણ કેસ પણ ચાલી રહ્યા છે, જેની સુનાવણી હજુ બાકી છે.
અગાઉ પણ સામે આવી હતી હજારો વીડિયો ક્લિપ
આ કેસ સામે આવ્યા બાદ ગયા વર્ષે પ્રજ્વલ સાથે જોડાયેલી 2,000થી વધુ અશ્લીલ વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર સામે આવી હોવાના અહેવાલ હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રજ્વલે કર્ણાટકની હાસન બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમની સામેના કેસો બાદ JDS દ્વારા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ મોબાઈલમાંથી મળ્યાના અહેવાલો વચ્ચે ફોરેન્સિક તપાસના અંતિમ પરિણામની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:પ્રજ્વલ રેવન્નાને આપી ઉમર કેદની સજા, દોષિત ઠેરવ્યા બાદ કોર્ટમાં રડવા લાગ્યો !
આ પણ વાંચો:પ્રજ્વલ રેવન્નાની જામીન અરજી ફગાવી, બળાત્કાર અને જાતીય સતામણી કેસમાં આરોપી
આ પણ વાંચો:જાતીય અપરાધોના આરોપી પ્રજ્વલ રેવન્નાને વધુ એક ફટકો, જામીન અરજી ફગાવી
