Surat News: સુરતના પાલ-અડાજણ વિસ્તારમાં સ્ટાર બજાર નજીક રસ્તા પર થયેલા ખોદકામ અને ત્યારબાદ કરવામાં આવેલા સમારકામ (Pal Adajan Road Repair)ને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે બનાવાયેલા સીસી રોડ અને પેવર બ્લોકવાળા રસ્તા પર ખોદકામ બાદ ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. સ્થાનિકોનો સવાલ છે કે પેવર બ્લોકવાળા રસ્તા પર ફરી પેવર બ્લોક બેસાડવાને બદલે ડામરના થીગડા કેમ મારવામાં આવ્યા?
પેવર બ્લોક અને CC રોડ પર ડામરના પેચ
પાલ-અડાજણ (Pal Adajan Road Repair) વિસ્તારમાં સ્ટાર બજાર નજીક વિવિધ કામગીરી માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ પૂર્ણ થયા બાદ કેટલાક સ્થળોએ પેવર બ્લોકને ફરી ગોઠવવાને બદલે ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક સ્થળોએ સીસી રોડના ભાગમાં પણ ડામરનું પેચવર્ક (Pal Adajan Road Repair) કરવામાં આવ્યું છે. જેના કારણે રસ્તાની ગુણવત્તા અને પાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.
Pal Adajan Road Repair: પેવર બ્લોકનો હેતુ શું?
પેવર બ્લોકવાળા રસ્તાની ખાસિયત એ છે કે પાણીની લાઇન, ડ્રેનેજ અથવા અન્ય કામગીરી માટે જરૂર પડે ત્યારે બ્લોક દૂર કરી શકાય છે. કામ પૂર્ણ થયા બાદ તેને ફરીથી યોગ્ય રીતે બેસાડી શકાય છે.આવી સ્થિતિમાં પેવર બ્લોકવાળા રસ્તા પર ડામરનું પેચવર્ક કરવામાં આવતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. રસ્તો બનાવવામાં થયેલા ખર્ચ અને જાળવણીની પદ્ધતિ અંગે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
ચોમાસામાં વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે હંગામી પેચવર્ક
આ મામલે મહાનગરપાલિકાના ઈન્ચાર્જ સિટી ઈજનેર મહેશ ચાવડાએ તંત્રનો પક્ષ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, પેવર બ્લોક અથવા જંકશનના વિસ્તારમાં લિકેજ કે ડ્રેનેજ સંબંધિત કામગીરી માટે ખોદકામ કરવામાં આવે છે.ચોમાસા દરમિયાન રસ્તો લાંબા સમય સુધી બંધ ન રહે અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ડામરનું પેચવર્ક (Pal Adajan Road Repair) કરવામાં આવે છે. અધિકારીના જણાવ્યા મુજબ, પેવર બ્લોકની ઉપર ડામર કરવામાં આવતો નથી, પરંતુ ખોદકામવાળા આસપાસના ભાગમાં જરૂરી રિપેરિંગ કરવામાં આવે છે.
ચોમાસા બાદ પેવર બ્લોક ફરી બેસાડવાની ખાતરી
ઈન્ચાર્જ સિટી ઈજનેરે વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસું પૂર્ણ થયા બાદ પેવર બ્લોકને ફરીથી યોગ્ય રીતે બેસાડવાની કામગીરી કરવામાં આવશે. આ માટે રી-ઇન્સ્ટોલેશનનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.અર્થાત્ હાલ કરવામાં આવેલું ડામરનું કામ કાયમી રસ્તા તરીકે નહીં પરંતુ ચોમાસા દરમિયાન વાહનવ્યવહાર સરળ રહે તે માટેની હંગામી વ્યવસ્થા હોવાનું પાલિકા તંત્રનું કહેવું છે.
સ્થળ પરના દૃશ્યોને લઈને વિવાદ
બીજી તરફ, સ્થાનિકોના આક્ષેપો અને સ્થળ પર જોવા મળતા દૃશ્યોને કારણે સમગ્ર કામગીરી ચર્ચામાં આવી છે. સ્થાનિકોનો દાવો છે કે પેવર બ્લોક અને સીસી રોડના ભાગમાં પણ ડામરના મોટા પેચ જોવા મળે છે.હવે ચોમાસા બાદ પેવર બ્લોકનું રી-ઇન્સ્ટોલેશન ખરેખર ક્યારે થાય છે અને રસ્તાને મૂળ સ્થિતિમાં કેટલો સમય લાગે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:દાહોદના ફતેપુરામાં RCC રોડના કામને લઈને વિવાદ, ગ્રામજનોના ભ્રષ્ટાચારના આક્ષેપ
આ પણ વાંચો:ભાવનગરના કુંભારવાડા RCC રોડ તોડી નવી વોટર લાઈન નખાશે
આ પણ વાંચો:ધ્રોલમાં તંત્રનું ધોલ પડે તેવું પ્રદર્શન, વીજ પોલ દૂર કર્યા વગર જ બનાવ્યો RCC રોડ
