Amreli News: ગુજરાતમાં ગીર સહિત અમરેલી જિલ્લામાં વનરાજાની સંખ્યા વધારે છે. ત્યારે થોડા દિવસ પહેલા બનેલી સિંહ (Lion)દ્વારા માનવ ભક્ષણની ઘટનાને લઈ વન વિભાગે રેવન્યુ તથા જંગલ વિસ્તારમાંથી 28 જેટલા સિંહને પાંજરે પૂરતા સિંહપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 28 જેટલા નિર્દોષ સિંહને વન વિભાગે પાંજરે પૂરતા વન વિભાગની કામગીરી સામે સ્થાનિક લોકોને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
વન વિભાગ દ્વારા 28 સિંહ (Lion)ને પાંજરે પૂરતા વિરોધ
થોડા દિવસ અગાઉ ચાર સિંહ દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક એક યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આ કહરે સિંહને વન વિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવ્યા હતા. એ ઘટના બાદ માનવ વસવાટ અને ખેતીવાડી વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા સિંહોને પકડવા માટે એક ‘ગુપ્ત ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાંથી આશરે 28 જેટલા સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે, જેને પગલે વન વિભાગની કામગીરી સામે મોટો વિવાદ ઉભો થયો છે.
વન વિભાગની કામગીરીને લઈને ઊભા થયા સવાલ
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી અમરેલી અને આસપાસના વિસ્તારોમાં સિંહોના હુમલામાં માનવ મૃત્યુના બનાવો બન્યા હતા. આ ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં રોષ હતો. પરિણામે, વન વિભાગે તાબડતોબ એક્શન મોડમાં આવીને સિંહોને પકડવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે, આ કામગીરી જે રીતે ‘ગુપ્ત’ રાખીને કરવામાં આવી રહી છે, તેનાથી હવે નવા સવાલો ઉભા થયા છે.
સિંહની અસામાજિક તત્વો દ્વારા થતી પજવણી અટકવામાં પણ માગ
અવારનવાર સોશિયલ મીડિયામાં સિંહની પજવણીના વિડીયો સામે આવતા હોય છે જેમાં અસામાજિક તત્વો સિંહની મજાક મસ્કરી કરી રહ્યા હોય છે. તથા રાત્રિના સમયે સિહનો જ્યારે શિકાર કરવાનો સમય હોય તે સમયે સિંહની પજવણી કરવામાં આવે છે અને ફોટા અને વિડીયો સુટ કરવામાં આવે છે જેના લીધે સિંહ દ્વારા માનવ ભક્ષી કૃત્ય કરવામાં આવે છે. આવી પ્રવૃતિ દ્વારા સિંહને માનવ ભક્ષણ કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. તેથી વન વિભાગે આ બાબતે તપાસ કરીને કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ સિંહપ્રેમીઓ દ્વારા માગ કરવામાં આવી છે.
નિર્દોષ સિંહોને પાંજરે પાંજરે પૂરવામાં આવ્યાનો સિંહપ્રેમીઓનો આક્ષેપ
વન વિભાગના આ આડેધડ નિર્દોષ સિંહોને પાંજરે પુરવાના ઓપરેશન સામે સિંહપ્રેમીઓ નારાજગી વ્યક્ત કરી છે. તેમનો આક્ષેપ છે કે, જે સિંહોએ ક્યારેય માણસો પર હુમલો નથી કર્યો, તેવા નિર્દોષ સાવજોને પણ પાંજરે પૂરી દેવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓએ SOPનો ભંગનો કર્યો હોવાના પણ સિંહપ્રેમીઓએ આક્ષેપ કર્યા છે.
SOP શું છે?
જ્યારે કોઈ સિંહ માણસ પર હુમલો કરે, ત્યારે વન વિભાગ ગમે તેમ કરીને સિંહને ન પકડી શકે. તેના માટે વન મંત્રાલયની એક ચોક્કસ SOP (નિયમાવલી) હોય છે, જેમ કે,
પહેલા એ નક્કી કરવું કે હુમલો કરનાર સિંહ કયો છે (તેના પગલાંની છાપ કે કેમેરાથી ઓળખ કરવી).
માત્ર એ ‘નરભક્ષી’ કે ‘ગેરવર્તણૂક’ કરનારા ચોક્કસ સિંહને જ ટ્રેક કરવો.
તેને પકડવા માટે કયા પાંજરા કે ટ્રેન્ક્યુલાઈઝર (બેભાન કરવાની દવા) ગન વાપરવી તેની મંજૂરી લેવી.
સિંહને પકડ્યા પછી ક્યાં રાખવો અને તેની તબીબી તપાસ કેવી રીતે કરવી.
તંત્ર પાસે સ્પષ્ટતાની માંગ
આ 28 જેટલા સિંહને વન વિભાગે પાંજરમાં કેદ કર્યા છે ત્યારે આ સિંહોનું ક્યાં સ્થળાંતર કરવામાંં આવશે તેવા સવાલો સ્થાનિરકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આટલી મોટી સંખ્યામાં એશિયાટિક સિંહોને કેદ કરવા છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી વન વિભાગ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક આ સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરે તેવી માગ જોર પકડી રહી છે. માનવ-વન્યજીવ સંઘર્ષ ઉકેલવાના નામે પ્રકૃતિના આ અનમોલ ઘરેણા સમાન સિંહો સાથે અન્યાય ન થાય તે જરૂરી છે.
આ પણ વાંચો: રાજુલા સિંહ હુમલા કેસમાં મોટો નિર્ણય: માનવભક્ષણની પુષ્ટિ બાદ 4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખાશે
આ પણ વાંચો: ઉત્તરાખંડ જવા નીકળેલા યુવકનું સિંહણનો હુમલાથી મોત, માત્ર ખોપરી મળતાં ચકચાર
