Khambhat: તાજેતરમાં જ ભ્રષ્ટાચાર પર એક સરવે આવ્યો હતો, તેમા પોલીસ વિભાગને દેશમાં સૌથી વધુ ભ્રષ્ટ ગણાવવામાં આવ્યો છે. હવે આ જ વાતનું પ્રતિબિંબ પાડતા હોય તેમ આણંદના ખંભાતમાં લાંચિયો પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ખંભાત ટાઉન પોલીસ મથકનો લાંચીયો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એક વ્યક્તિ પાસે લાંચ લેતા ઝડપાઈ ગયો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગોમાસના ગુનામાં આરોપી ન બનાવવા માટે લાંચ માંગી હતી.
લાંચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે પહેલા પાંચ લાખની માંગ કરી હતી અને પછી તેમા 40 ટકા ડિસ્કાઉન્ટ આપતા ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. એન્ટિ કરપ્શન બ્યૂરોએ છટકુ ગોઠવીને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ પકડ્યો હતો. આ બાબતને લઈને હકીકત એવી છે કે ખંભાત પોલીસ સ્ટેશને ત્રીજી જુલાઈના રોજ ગૌમાંસનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં પકડાયેલ આરોપીની કોલ ડિટેલમાં ફરિયાદીની મોબાઇલ નંબર હતો. ખંભાત પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ગૌમાંસ અંગેના ગુનામાં ફરિયાદીને આરોપી તરીકે નહીં બતાવવા તેમજ ફરિયાદી તથા તેના કુટુંબનો વરઘોડો નહીં કાઢવા પાંચ લાખ રૂપિયાની લાંચ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે માંગી હતી. તેના પછી આ કેસમાં ભાવતાલ થતાં આરોપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રણ લાખ રૂપિયાની લાંચમાં તૈયાર થયો હતો.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ આણંદ એસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ આ લાંચની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે 26 જુલાઈના રોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપીએ પંચની હાજરીમાં જ વાતચીત કરીને ફરિયાદી પાસેથી લાંચના ત્રણ લાખ રૂપિયાના નાણાની માંગ કરી હતી અને આ રૂપિયા સ્વીકારતા તે પકડાઈ ગયા હતા. તેમણે વોટ્સએપ પર કોલ કરીને લાંચના નાણા મેળવ્યાની વાતચીત કરી હતી. તેઓ લાંચ લેતા સ્થળ પર જ પકડાયા હતા. આ બનાવના પગલે આરોપી સામે જાહેર સેવક તરીકે હોદ્દાનો દૂરુપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો કર્યાનો કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો: સુરત : ઓલપાડ ગ્રામ પંચાયતનો તલાટી અને મહિલા કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજુર થયેલા મકાન સંદર્ભે લાંચ લેતા માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર ઝડપાયો
આ પણ વાંચો: કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો
