મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ
ચલાલી ગ્રામ પંચાયત વિસ્તારના જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના કાલોલના મહામંત્રી અજયસિંહ ચૌહાણ દ્વારા રજુઆત અરજીમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત વિસ્તારમાં પશ્ચિમ ભાગમાં ગ્રામજનોના ખેતરો તરફ જતો રસ્તો લગભગ ૨૦ વર્ષ ઉપરાંત સમયથી બંધ હાલતમાં છે આ રસ્તા માટે ગ્રામ પંચાયતમાં ઘણીવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ ગ્રામ પંચાયતના લાગતા વળગતા અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી.

આજરોજ આ ગામના જાગૃત નાગરિક ચૌહાણ અજયસિંહ પોતાની ફરજ સમજીને ચલાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને એક અરજી આપી રજુઆત કરી છે. અને વધુમાં જણાવ્યું છે કે માતાવાળા ફળિયામાં જોગણી માતાનું મંદિર આવેલું છે ત્યાંથી લઈને તળાવ સુધી જાહેર રસ્તો આવેલો છે તે રસ્તા ઉપર અવર-જવર બંધ છે.

ચલાલીના પશ્ચિમ ભાગમાં આવેલા ખેતરોમાં જવા માટે ખેડૂતોને બહુ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે હાલના સમયમાં ખેતરમાં આવવું અને જવું ખેતરમાંથી માલસામાન લાવો પશુઓ માટે લીલો ચારો અને ખેતરમાં રોજે-રોજ જવા આવવામાં પણ તકલીફો પડી રહી છે આ જાહેર રસ્તા ઉપર હાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને રસ્તાનો અમુક ભાગ ધોવાણ થઈ ગયો છે. અને ચલાલી ગામમાં વર્ષોથી પશ્ચિમ ભાગે ખેતરમાં જવા આવવા માટે કોઈ બીજો રસ્તો જ નથી.

લગભગ ૨૦ વર્ષથી પણ વધારે સમયથી આ રસ્તો બંધ હાલતમાં છે જે અંદાજિત ૫૦૦ મીટર જેવો રસ્તો છે. આ અંગે ચલાલી ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી ત્રણ ચાર હજારથી પણ વધારે લોકોને આ ખરાબ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ રસ્તાને બનાવવા માટે વારંવાર મૌખિક અને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી અને લોકોને બીજાના ખેતરોમાંથી અવર-જવર કરવી પડે છે. ચોમાસાની ઋતુમાં ખેતરોમાંથી માલ સામાન, લીલો ઘાસચારો લાવવો હોય તો ખેડૂત જાતે તેના માથા ઉપર મૂકીને લાવવો પડતો હોય અને આ માથા ઉપર વજનને કારણે ત્યાથી પસાર થવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જોવાનું એ રહ્યું કે આ રજુઆત અંગે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી હાલશે ખરું.? અને આ ચલાલી ગામના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સામે તંત્ર સમયસર કામ કરશે ખરું?

