Amreli News/ વડિયા ઢૂંઢિયા પીપળીયા પુલના કામમાં ગુણવત્તા પર સવાલ

પુલ (Bridge)ના કામમાં વપરાયેલી RCC દીવાલમાંથી કાંકરીઓ છૂટતી હોવાના વીડિયો અને તસવીરો સામે આવ્યા હતા

Gujarat Others
વડિયા, ઢૂંઢિયા અને પીપળીયા ગામોને જોડતા પુલ (Bridge)ના નિર્માણ કાર્યમાં ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે

Amreli News : વડિયા, ઢૂંઢિયા અને પીપળીયા ગામોને જોડતા પુલ (Bridge)ના નિર્માણ કાર્યમાં ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. પુલ (Bridge)ના એપ્રોચ ભાગમાં બનાવવામાં આવેલી RCC દીવાલમાંથી કાકરીઓ ખરતી હોવાના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે.

સ્થાનિક સ્તરે ઉઠેલા પ્રશ્નો અને મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલો બાદ માર્ગ અને મકાન વિભાગ (R&B)નું તંત્ર હરકતમાં આવ્યું છે. સ્થળની પ્રાથમિક તપાસ દરમિયાન RCC દીવાલના કેટલાક ભાગોમાં ગુણવત્તાની ખામીઓ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

માહિતી મુજબ, પુલ (Bridge)ના કામમાં વપરાયેલી RCC દીવાલમાંથી કાંકરીઓ છૂટતી હોવાના વીડિયો અને તસવીરો સામે આવ્યા હતા. આ મામલો ચર્ચામાં આવતા જવાબદાર અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન દીવાલના કેટલાક ભાગો નબળા હોવાનું પ્રાથમિક રીતે જણાતા સંબંધિત કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

R&B વિભાગના અધિકારીએ ગુણવત્તા ધોરણો જળવાઈ રહે તે માટે નબળી ગણાતી RCC દીવાલનો ભાગ તોડી ફરીથી યોગ્ય રીતે બનાવવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. વિભાગ દ્વારા સમગ્ર કામની ગુણવત્તાની વિગતવાર તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જાહેર નાણાંથી થતા વિકાસકાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. બીજી તરફ, વિવાદ સામે આવ્યા બાદ જ તંત્ર સક્રિય બન્યું હોવાથી તેની કામગીરી અને દેખરેખની પદ્ધતિ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

હાલમાં સમગ્ર મામલે વિભાગીય તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ ગુણવત્તામાં ખામી માટે જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો : અમદાવાદ મનપાએ સુભાષ બ્રિજના નવનિર્માણ માટે ₹232.80 કરોડનો ટેન્ડર બહાર પાડ્યો

આ પણ વાંચો : વલસાડમાં ફરી એકવાર ધરાશાયી થયો નિર્માણાધીન બ્રિજ, 4 મજૂરો દટાયા

આ પણ વાંચો : લદ્દાખમાં નિર્માણાધિન પુલ ધરાશાયી થતાં 4 મજૂરોના મોત,બેની હાલત ગંભીર