New Delhi News: આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી અને વડાપ્રધાનના માર્ગદર્શન માટે આભાર માન્યો.
Raghav Chadhaએ PM Modi સાથે કરી મુલાકાત
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. ચઢ્ઢાએ કહ્યું કે આ એવી સવાર છે જેને તેઓ હંમેશા યાદ રાખશે. તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માનતા કહ્યું કે તેમને તેમના માર્ગદર્શન અને અનુભવમાંથી ઘણું શીખવાની તક મળી.
રાઘવ ચઢ્ઢા તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી અલગ થઈને ભાજપ (BJP)માં જોડાયેલા છ રાજ્યસભા સાંસદોમાં સામેલ છે. તેમના ભાજપ પ્રવેશ બાદ વડાપ્રધાન સાથેની આ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગઈકાલે NDAના 40થી વધુ સાંસદો PM મોદીને મળ્યા હતા
આ મુલાકાતના એક દિવસ પહેલાં એટલે કે 7 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને NDAના 40થી વધુ સાંસદો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વિવિધ સહયોગી પક્ષોના સાંસદો હાજર રહ્યા હતા. તાજેતરમાં TMC છોડીને અન્ય પક્ષમાં જોડાયેલા સાંસદો તેમજ શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં સામેલ થયેલા સાંસદોની પણ આ બેઠકમાં હાજરી રહી હતી. બેઠક દરમિયાન સંસદના ચોમાસુ સત્ર અને સત્રમાં થઈ રહેલા હોબાળા અને વિપક્ષના વિરોધને કારણે સંસદની કાર્યવાહી પ્રભાવિત થઈ રહી છે. એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સંસદનું કામકાજ સરળતાથી ચાલે તે જરૂરી: PM મોદી
શિવસેનાની રાજ્યસભા સાંસદ જ્યોતિ વાઘમારેએ મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ સંસદનું કામકાજ સરળતાથી ચાલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંસદમાં સતત હોબાળો થવાથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર યોગ્ય ચર્ચા થઈ શકતી નથી. સાથે જ નવા અને પ્રતિભાશાળી સાંસદોને પોતાના વિચારો રજૂ કરવાની તક પણ મળતી નથી. આ દરમિયાન જ્યોતિ વાઘમારેએ વડાપ્રધાન મોદીને સોલાપુરની ખાસ હાથવણાટની ચાદર ભેટમાં આપી હતી. આ ચાદર પર વડાપ્રધાનની તસવીર દોરવામાં કરવામાં આવી હતી.
એકનાથ શિંદેએ મુલાકાતને ગણાવી સૌહાર્દપૂર્ણ
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ વડાપ્રધાન સાથેની મુલાકાતને સૌહાર્દપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા થઈ હતી. શિંદેએ નવા શિવસેના સાંસદોને વડાપ્રધાન દ્વારા ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીન સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
રાઘવ ચઢ્ઢાની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. ખાસ કરીને ‘આ સવાર જેને હું હંમેશા યાદ રાખીશ’ જેવા તેમના શબ્દોને કારણે આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં પણ ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો:AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારી બંગલો ખાલી કરવો પડશે?
આ પણ વાંચો:રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો સત્તાવાર રીતે ભાજપમાં સામેલ, નીતિન નબીને મિઠાઈ ખવડાવી
આ પણ વાંચો:“ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો”, ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલ પર મોટો હુમલો
