RR vs GT/ ગુજરાતે એક તરફી મેચમાં રાજસ્થાનને 9 વિકેટે આપ્યો પરાજય

IPLની 16મી સિઝનની 48મી લીગ મેચ સંપૂર્ણપણે એકતરફી રહી હતી. ગુજરાત ટાઇટન્સ (GT) એ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની તેમની અગાઉની હારનો બદલો 9 વિકેટથી જીતીને લીધો હતો

Top Stories Sports
11 3 ગુજરાતે એક તરફી મેચમાં રાજસ્થાનને 9 વિકેટે આપ્યો પરાજય

IPLની 16મી સિઝનની 48મી લીગ મેચ સંપૂર્ણપણે એકતરફી રહી હતી. ગુજરાત ટાઇટન્સ (GT) એ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની તેમની અગાઉની હારનો બદલો 9 વિકેટથી જીતીને લીધો હતો. આ મેચમાં ગુજરાતને માત્ર 119 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની શાનદાર ઓપનિંગ ભાગીદારી બાદ ટીમે આ લક્ષ્યાંક 13.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

આ સિઝનમાં ગુજરાતની આ 7મી જીત છે. 119 રનના ટાર્ગેટનો પીછો કરતા શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ગુજરાત ટાઇટન્સ માટે ઇનિંગ્સની શરૂઆત કરવા મેદાનમાં આવ્યા હતા. બંને બેટ્સમેનોએ પ્રથમ 3 ઓવરમાં થોડી સાવધાનીપૂર્વક બેટિંગ કરીને સ્કોર 16 રન સુધી પહોંચાડ્યો હતો. ઇનિંગની ચોથી ઓવરમાં રન રેટ વધવા લાગ્યો.

પ્રથમ 6 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 49 રન પર પહોંચી ગયો હતો. સાહા અને ગીલે ઝડપી રન બનાવવાનું ચાલુ રાખ્યું જેથી ટીમને મેચમાં મોટી જીત મળી શકે. ગુજરાતને પહેલો ફટકો 71ના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે 36ના અંગત સ્કોર પર શુભમન ગિલને પોતાનો શિકાર બનાવ્યો હતો.

શુભમન ગિલ પેવેલિયન પરત ફર્યા બાદ ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યા નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે મેદાન પર આવતાની સાથે જ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો. હાર્દિકે ઝડપી સ્કોર કરવાનું શરૂ કર્યું અને મેચમાં ગુજરાતની જીતને સંપૂર્ણ રીતે નિશ્ચિત કરી દીધી. આ મેચમાં હાર્દિકે માત્ર 15 બોલમાં 3 ફોર અને 3 સિક્સરની મદદથી 39 રન બનાવ્યા હતા.

આ મેચમાં રિદ્ધિમાન સાહાએ પણ 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાતે 119 રનનો ટાર્ગેટ 13.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને મેળવી લીધો હતો. રાજસ્થાન તરફથી બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલને માત્ર 1 વિકેટ મળી હતી.

આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની વાત કરીએ તો તેમની તરફથી ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનના માત્ર 4 બેટ્સમેન ડબલ આંકડો પાર કરી શક્યા હતા. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 30 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટે 15 અને યશસ્વી જયસ્વાલે 14 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી બોલિંગમાં રાશિદ ખાને 3, નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને જોશુઆ લિટલને પણ 1-1 વિકેટ મળી હતી.