Massive Sandstorm in Rajasthan: રાજસ્થાનના રણપ્રદેશોમાં કુદરતનું એક અત્યંત ડરામણું અને આશ્ચર્યજનક સ્વરૂપ જોવા મળ્યું છે. શ્રીગંગાનગર અને ચુરુ જિલ્લામાં શનિવારની બપોરે હવામાનમાં અચાનક એવો પલટો આવ્યો કે જોતજોતામાં દિવસના સમયે જ કાળી રાત જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં રેતીની એક વિશાળ અને ઊંચી દીવાલ ઉડી જેના લીધે સમગ્ર શહેર અંધકારની ચાદરમાં લપેટાઈ ગયું હતું.
70 કિલોમીટરની ઝડપ અને 30 મિનિટનો તાંડવ Rajasthan
ચુરુ અને શ્રીગંગાનગરમાં બપોરે આશરે 2:00 વાગ્યે અચાનક ધૂળ અને રેતીનું એટલું વિશાળ વાવાઝોડું ઉથલપાથલ મચાવવા લાગ્યું કે તેણે આખેઆખા સૂર્યને ઢાંકી દીધો હતો. ધૂળની આ ડમરી એટલી ગીચ હતી કે દ્રશ્યતા (વિઝિબિલિટી) ઘટીને શૂન્યની નજીક પહોંચી ગઈ હતી. રસ્તાઓ પર દોડતા વાહનોના પૈડા જ્યાંના ત્યાં થંભી ગયા હતા અને વાહનચાલકોને થોડે દૂર જોવા માટે પણ ફરજિયાતપણે પોતાના વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરવી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રેતીના ચક્રવાત દરમિયાન પવનની ગતિ આશરે 70 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી અને આ તાંડવ સતત 30 મિનિટ સુધી ચાલ્યું હતું.
વાવાઝોડા બાદ વરસાદથી તાપમાનમાં 8°C નો ઘટાડો
આ ભયાનક રેતીના તોફાન બાદ કુદરતનું બીજું સ્વરૂપ જોવા મળ્યું હતું. ધૂળની ડમરીઓ શાંત થતાં જ આકાશમાં (Rajasthan) કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી 45 ડિગ્રીને પાર ચાલી રહેલા પારો આ આંધી અને વરસાદના(Rajasthan) કારણે અચાનક નીચે ગગડ્યો હતો. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આ વાવાઝોડા અને વરસાદના લીધે તાપમાનમાં સીધો 8 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી સ્થાનિક લોકોને અસહ્ય બફારા અને લૂમાંથી મોટી રાહત મળી છે.
