Rajkot News: રાજકોટ શહેરમાં જર્જરિત આવાસો (Rajkot Housing Board Quarters)ને લઈને મહાનગરપાલિકા અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વોર્ડ નંબર 10માં શહીદ ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 792 ભયજનક ક્વાર્ટર ખાલી કરાવવા માટે મનપાએ નળ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરતા સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.
Rajkot Housing Board Quarters: જર્જરિત આવાસ મુદ્દે રહેવાસીઓનો વિરોધ
સોમવારે સવારે મનપાની ટીમ નળ કનેક્શન કાપવા પહોંચી ત્યારે રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ રહેવાસી તો પાણીનું જોડાણ કપાઈ ન જાય તે માટે ખોદાયેલા ખાડામાં સૂઈ ગયા હતા. ઘટનાના દ્રશ્યો સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
વિરોધ વધતા સ્થાનિક રહેવાસીઓનું પ્રતિનિધિમંડળ રાજકોટ મહાનગરપાલિકા કચેરી પહોંચ્યું હતું અને મેયર ડૉ. નેહલ શુક્લ (Mayor Dr. Nehal Shukla)ને રજૂઆત કરી હતી. સ્થાનિકોની માંગણી હતી કે ચોમાસા દરમિયાન આવાસો (Rajkot Housing Board Quarters) ખાલી કરાવવા અથવા પાણી-વીજળીના જોડાણ કાપવાથી લોકોને ભારે મુશ્કેલી પડશે, તેથી તેમને સમય આપવામાં આવે.
રજૂઆત બાદ મેયરે માનવતાના ધોરણે દિવાળી સુધીનો સમય આપવાની જાહેરાત કરી હતી. જોકે સાથે સ્પષ્ટ કર્યું હતું કે જો આ સમયગાળા દરમિયાન જર્જરિત મકાનને કારણે કોઈ જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મકાનધારકોની રહેશે. આ માટે રહેવાસીઓ પાસેથી એફિડેવિટ પણ લેવામાં આવશે.
ગોકુલનગર હાઉસિંગ સોસાયટી (Rajkot Housing Board Quarters)ના આગેવાનોના જણાવ્યા મુજબ, કેટલાક ક્વાર્ટર અત્યંત જર્જરિત છે અને તેમના સમારકામ માટે સમયની જરૂર હતી. મેયર સાથેની બેઠક બાદ નળ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આવાસોને વર્ષ 2015થી જ ભયજનક જાહેર કરીને વારંવાર નોટિસ આપવામાં આવી રહી છે. ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ આ ક્વાર્ટરોને માનવ વસવાટ માટે જોખમી ગણાવવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન બાંધકામ ધરાશાયી થવાની ભીતિ વચ્ચે મનપાએ આખરી પગલા તરીકે નળ અને વીજળીના જોડાણ કાપવાનો નિર્ણય લીધો હતો.
હાલ મેયરના આદેશ બાદ કાર્યવાહી ચાર મહિના માટે મોકૂફ રાખવામાં આવી છે. હવે દિવાળી સુધી રહેવાસીઓ સમારકામ કરે છે કે અન્ય વિકલ્પ અપનાવે છે તેના પર આગળની કાર્યવાહી નિર્ભર રહેશે.
આ પણ વાંચો:ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ફી મુદ્દે અનધિકૃત બાંધકામમાં મકાનમાલિકોને રાહત!
આ પણ વાંચો:હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોને મળશે આગામી સમયમાં સારા સમાચાર
