રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ફરી એકવાર કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવનાર એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની એચ. એન. શુક્લા નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જોડિયાના લખતરની સુજાતા ચૌહાણે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીએ પોતાની માતાને છેલ્લે કોલ કરીને જણાવ્યું હતું કે, ‘હું આવતી કાલે ઘરે આવી જઈશ.’ પરંતુ માતાને ક્યાં ખબર હતી પોતાની દીકરી નહીં પરંતુ દીકરીની લાશ ઘરે આવશે.
મળતી માહિતી અનુસાર, એચ.એન.શુક્લા કોલેજ માં નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુજાતા ચૌહાણ નામની યુવતી કોરોના ના કારણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તો સાથે જ નર્સિંગ નો ઓનલાઇન અભ્યાસ પણ કરતી હતી. ત્યારે સુજાતા એ આપઘાત કરતા પહેલા તેણી ની માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, ઓનલાઇન અભ્યાસક્રમ તેમજ covid હોસ્પિટલમાં ફરજ બજાવવાના કારણે છેલ્લા ઘણા સમયથી મારી તબિયત પણ નાદુરસ્ત રહે છે જેના કારણે એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જઈશ તેમજ મારી જગ્યાએ covid હોસ્પિટલમાં ફરજ પર કોઈ અન્ય નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીને ગોઠવી દઈશ.
મહત્વનું છે કે, સમગ્ર બનાવની વિગત એવી છે રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી નર્સિંગ હોસ્ટેલમાં જ સુજાતા ચૌહાણ પોતાની રૂમ પાર્ટનર સોનુ સાથે રહેતી હતી. ત્યારે નાઈટ ડ્યુટીના કારણે સુજાતા મંગળવારના રોજ દિવસભર રૂમ પર જ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી પૂર્ણ કરીને રૂમ પર પરત આવેલ સોનુએ સૌ પ્રથમ રૂમનો દરવાજો ખટખટાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં સુજાતાએ દરવાજો ન ખોલતા સોનુએ સુજાતાને ફોન કર્યો.
જો કે તેમ છતાં સુજાતાએ દરવાજો ન ખોલતા સોનુએ અન્ય મિત્રોને ફોન કરી બોલાવી લીધી. જેથી તમામ વિદ્યાર્થીનીઓએ એક સાથે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અંદરથી સ્ટોપર ખુલી ગઇ. એ સમયે રૂમમાં છતના હુકમાં દુપટ્ટો બાંધીને લટકતી હાલતમાં સુજાતાની લાશ સૌ કોઈને જોવા મળી હતી.
બાદમાં આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં રૂમ મેટ તેમજ સુજાતાની બહેનપણીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યાં. ત્યાર બાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરીને સુજાતાની લાશને સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ કરવા મોકલી આપવામાં આવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
