કોરોના મહામારીએ દેશમાં ધામા નાખ્યા તેને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાતના રાજકોટ શહેરમાં ગઇકાલે એક વર્ષ પૂર્ણ થયું છે, તેમ છતાં હજુ પણ કોરોના તંત્રને હંફાવી રહ્યો છે. રસીકરણનો બહોળા પાયા પર પ્રારંભ થવા છતાં કોરોના પર કાબૂ મેળવવા માટે મહાનગરપાલિકા તંત્રએ ફરીથી સત્તાવાર નિર્દેશિકા જાહેર કરી છે, જે અંતર્ગત રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આવતીકાલથી 20 માર્ચ સુધી અચોક્કસ મુદત સુધી તમામ બાગ બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે.

આથી રંગીલા રાજકોટવાસીઓએ ફરવાની બાબતમાં સાવધાની વર્તવાનો વારો આવ્યો છે. રાજકોટવાસીઓ માટે શહેરના રેસકોર્સ, ઈશ્વર્યા પાર્ક, આજી ડેમ સહિત નાના-મોટા તમામ બાગ-બગીચાઓ અને બાળકોને અતિપ્રિય એવા પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય પણ આવતી કાલથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત અંતર્ગત જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ સંક્રમણ સામે ના સાવચેતીના પગલારૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી 20 માર્ચ થી શહેરના તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં સરકાર દ્વારા નવા નિર્દેશો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાગ બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ રહેશે.આ માટે રાજકોટના શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અને સાથ સહકાર આપવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

