Rajkot School Teacher Child Abuse Case: રાજકોટની કર્ણાવતી સ્કૂલમાં માસૂમ બાળકી સાથે શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારના મામલે આજે કોર્ટે ઐતિહાસિક કડક વલણ અપનાવ્યું છે. પોલીસની નબળી તપાસ અને સીસીટીવી ફૂટેજ રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારી બદલ કોર્ટે પ્રદ્યુમનનગર પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. આ સાથે જ કોર્ટે હવે આ કેસની તપાસ IPS અધિકારીના સીધા મોનિટરિંગ હેઠળ કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે.

પોલીસનો સમરી રિપોર્ટ ફગાવ્યો, તત્કાલીન PI સામે તપાસ
Rajkot School Teacher Child Abuse Case માં પોલીસે રજૂ કરેલો સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કરી દીધો છે. કોર્ટે અવલોકન કર્યું કે તપાસમાં ગંભીર ખામીઓ છે. ખાસ કરીને મહત્વના ગણાતા સીસીટીવી ફૂટેજ તપાસમાં સામેલ ન કરાતા કોર્ટે તત્કાલીન PI ભાર્ગવ ઝણકાટ સામે ગૃહ વિભાગમાં રિપોર્ટ કરવા પણ આદેશ કર્યો છે. પોલીસની કામગીરી સામે કોર્ટના આ તેવરથી પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે.
શું હતો સમગ્ર મામલો?
રાજકોટની કર્ણાવતી સ્કૂલની એક મહિલા શિક્ષિકાએ માસૂમ બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ થયો હતો. આ કેસમાં પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે કાનૂની લડત ચાલી રહી છે. જ્યારે પોલીસે આ કેસને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો સાથે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં આજે કોર્ટે ન્યાયી તપાસ માટે તપાસનો દોર IPS અધિકારીને સોંપ્યો છે.
