Rajkot News : રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત બાદ રાજકુમારના પિતા અને રાજકોટ ગ્રામ્યના SPની ઓડિયો કિલ્પ વાઈરલ થઈ છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવકના શંકાસ્પદ મોત બાદ તેમના પિતાએ ગોંડલના પૂર્વ ધારાસભ્યના ઘર પર તેમના માણસો દ્વારા માર મારવાનો આક્ષેપ કર્યો હતો જો કે પોલીસના મતે રાજકુમારનું મોત કોઈના મારના કારણે નહીં, પણ માર્ગ અકસ્માત થયું હોવાનું સામે આવ્યું છે.
14 તારીખે રાજકોટ પોલીસે મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલકને પણ ઝડપી પાડ્યો હતો, જેની ટક્કરના કારણે જ રાજકુમાર જાટનું મોત નીપજ્યું હતું. રાજકુમાર જાટ જ્યારે ગાયબ થયો હતો અને પોલીસ શોધખોળ કરી રહી હતી એ સમયે રાજકોટ ગ્રામ્ય એસપી અને મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ વચ્ચે થયેલી વાતચીતની એક ઓડિયો-ક્લિપ વાઈરલ થઈ છે, જેમાં એસપી રતનલાલ જાટને જણાવી રહ્યા છે કે તમારો છોકરો ટ્રેક થઈ ગયો છે. તમારા દીકરાની માનસિક હાલત સ્થિર નથી. તો બીજી તરફ રતનલાલ જાટ કહી રહ્યા છે કે ગોંડલમાં મારા છોકરાને 15 લોકોએ માર માર્યો, ત્યાર બાદ તેની માનસિક હાલત બગડી છે.
રાજકોટ એસપી અને રતનલાલ જાટ વચ્ચે થયેલી વાતચીત
રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ અને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ વચ્ચે થયેલી વાતચીતની 6 મિનિટની ઓડિયો-ક્લિપ વાઈરલ થઈ છે. એમાં બંને વચ્ચે નીટે મુજબની વાતટીત થઈ હતી.
SP : રતનલાલજી, હિમકરસિંહ બોલું છું રાજકોટ એસપી.
મૃતકના પિતા : હા સર, બોલો… બોલો સર.
SP : તમારો દીકરો ટ્રેક થઇ ગયો છે, તમને ખબર તો હશે જ?
મૃતકના પિતા : હા સર, બિલકુલ સર, ફૂટેજ મને મળ્યા છે, સર મારો દીકરો કેટલો ડિપ્રેશનમાં આવી જાય છે સર, પગમાં બૂટ નથી, હાઇવે પર કોઈ જગ્યાએ ઊભો નથી રહેતો, ભગવાન કરે મને મારો દીકરો મળી જાય બસ.
SP : દીકરો મળી જશે, મેં તમને પહેલાં પણ કીધું હતું, તમારો દીકરો સુરક્ષિત છે, જીવિત છે કોઈ અપહરણ નથી થયું.
મૃતકના પિતા : બિલકુલ સર.
SP : ડિપ્રેશન એક દિવસમાં ન આવી શકે, આ પહેલાંથી છે. એક પિતા તરીકે તમારે પહેલાંથી જ આ જોવું જોઈએ.
મૃતકના પિતા : સર, મેં તેને ભણવા માટે અલગથી રૂમની પણ વ્યવસ્થા કરાવી આપી છે.
SP : આવું મેં પહેલીવાર જોયું છે કે દીકરો અલગ જગ્યાએ રહે છે, પિતા અલગ જગ્યાએ રહે છે.
મૃતકના પિતા : ના સર, મેં તેને ભણવા માટે અલગ વ્યવસ્થા કરી આપી છે.
SP: દીકરાને સાથે રાખવો જોઈએ. મને ખબર મળી તમારો દીકરો સહી નથી. મંદિરોમાં કોની પાસે બેસે છે, શું કરે છે? તમને પણ ખબર પડી હશે.
મૃતકના પિતા : ના સર, મેં આવું કોઈ જગ્યાએ જોયું નથી.
SP : તમે મારી વાત સાંભળો. તમારે તમારા દીકરાને સંભાળવો પડશે. મારા 40 માણસોની ટીમ તપાસ કરી રહી છે છેલ્લા 4 દિવસથી, અમારી ટીમ કામ કરી રહી છે. તમારો દીકરો સાચા રસ્તા પર નથી. આ મેન્ટલી ડિસ્ટર્બ છે. તે રાજકોટ તરફ ગયો છે
મૃતકના પિતા : એકવાર મળી જાય બસ, તમે lsની ડિગ્રી ચકાસી લેજો સર. ફોર્મ ભર્યું છે. શુભ મુહૂર્ત જોઈને ભર્યું છે.
SP : જે સાચી હકીકત છે એ જણાવું છું, તમે પિતા છો એટલે હું તમને જાણ કરી રહ્યો છું. તમારા દીકરાનું અપહરણ થયું કે મારી નાખ્યો છે આવી કોઈ વાત નથી.
મૃતકના પિતા : જે સાચી હકીકત હતી એ મેં આપને જણાવી છે સર, 15 લોકો મારવા લાગ્યા હતા મારા દીકરાને. તમે ફૂટેજ જોયા હશે સર, જોયા કે નથી જોયા.?
SP : એ ફૂટેજ અમારા ધ્યાન પર નથી આવ્યા.
મૃતકના પિતા : કમસે કમ એકવાર તમે ફૂટેજ જોઈ લો સર.
SP : એટલે તમને હું કહેવા માગું છું તમે બન્ને કેસને ભેગા ન કરો, તમારો દીકરો ડિસ્ટર્બ છે એ જાણ કરવા મેં તમને ફોન કર્યો છે.
મૃતકના પિતા : તમે જોયું હશે તો જ કહ્યું હશે, પણ અમારા ધ્યાનમાં આવું કહી નથી આવ્યું.
SP : આગળથી ધ્યાન રાખજો અને દીકરાને સાથે રાખજો, દીકરાની માનસિક હાલત સ્થિર નથી.
મૃતકના પિતા : માર મારવાથી એની માનસિક હાલત બગડી છે. એકવાર મને મારો દીકરો મળવા દો સર.
SP : છ મહિનાથી તેની હાલત સ્થિર નથી, તમે અમારી વાત સમજતા નથી. તે જેની સાથે ઊઠકબેઠક કરે છે તેમની સાથે પણ અમારી વાત થઇ છે. શું વાત થઇ એ રૂબરૂ આવો એટલે જાણ કરીશ. જેની સાથે બેસે એ સારા લોકો નથી, તેને આગળ કહી કામ કરવાનું નથી. ખોટા રસ્તા પર તે જઇ રહ્યો છે.
મૃતકના પિતા : મારો દીકરો મંદિરમાં ભગવાન માટે જાય છે. મંદિરમાં તે ભગવાનને જુએ છે. મંદિરમાં 100% જાય છે, પણ ત્યાં ભગવાન માટે જ જાય છે.
SP : ના, તે મંદિરમાં જાય છે ત્યાં અલગ પ્રવૃત્તિ થાય છે. એ મંદિરમાં દર્શન કરવા નથી જતો. તમે પિતા છો, દીકરાને પિતા જ સુધારી શકે.
મૃતકના પિતા : જીવતો છે તો બસ છે. તમે સીસીટીવી બતાવ્યા પણ મને હવે સોંપી દો મારો દીકરો બસ.
SP : શાપર સુધી ટ્રેક થઇ ગયેલો છે. જીવતો છે અને રાજકોટ તરફ જાય પણ છે. હવે તમે પોલીસને એ મદદ કરો કે એ કઇ જગ્યાએ જઇ શકે છે.
મૃતકના પિતા : 3 તારીખના સીસીટીવી જોયા છે. સર આ પછી ક્યાં છે એ ખબર નથી સર.
SP : જાય તો ક્યાં જઈ શકે છે?
મૃતકના પિતા : સર એ તિરુપતિ અને સોમનાથ જવાનું કહેતો હતો. ત્યાં ગયો હોઈ શકે છે અને ઉદયપુર પણ જઈ શકે છે, જો ટ્રેનમાં જાય તો.
SP : ઠીક છે, અમે ત્રણેય જગ્યાએ પોલીસ મોકલી તપાસ કરીએ છીએ.
વાઇરલ ઓડિયો-ક્લિપ અંગે જિલ્લા પોલીસવડા હિમકરસિંહનું કહેવું છે કે મૃતક યુવકના પિતા સાથે ફોનમાં વાતચીત થઇ હતી, જેમાં અમે કરેલી તપાસ અને અમને મળેલી માહિતી અંગે અમે વાતચીત કરી હતી. યુવક શાપર નજીક ચાલીને જતો સીસીટીવી કેમેરામાં દેખાયો હતો અને રાજકોટ તરફ જતો હતો, જેથી આગળ ક્યાં જઈ શકે એ અંગે પૂછવા અને અન્ય માહિતી મેળવવા તથા જાણ કરવા ફોન કર્યો હતો. મારપીટ થઇ હોય તેવા કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી.
ગત 10 માર્ચના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ મૃતકના પિતાએ જયરાજસિંહ અને તેમના દીકરા પર હત્યાના આક્ષેપો કર્યા હતા તેમજ પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં પોલીસે રમેશ મેર નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: એક જ એક્સપ્રેસવેથી પાંચ રાજ્યોની કિસ્મત પલ્ટાશે
આ પણ વાંચો: અમદાવાદ-થરાદ એક્સપ્રેસવેઃ દિયોદરમાં વળતર નક્કી કર્યા વગર સરવે શરૂ કરાતા ખેડૂતો વીફર્યા
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું પીએમ મોદી કરશે ઉદઘાટન