Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિભાગોમાં વિવિધ કેડરમાં પસંદગી પામેલા કુલ 4,473 ઉમેદવારોમાંથી પ્રતિકાત્મક રૂપે 21 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 101જેટલી પરીક્ષાઓ યોજીને રેકોર્ડ બનાવ્યો છે.ઓનલાઇન, પારદર્શક અને ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરનાર ગૌણ સેવા પસંદગી મંડળની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.
હર્ષ સંઘવીએ આ પ્રસંગે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં PSI અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલમાં ગુજરાત પોલીસ દળની ચાલી રહેલી 12થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે, જેમના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે.
ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, 4473 યુવાનોને તેમનું ભવિષ્ય અને ખાસ કરીને તમારા સપના આજે સાકાર થયા છે, તે બદલ આપ સૌ લોકોને હું શુભકામના આપુ છું. આજે આપ સૌ લોકો ગુજરાતના નાગરિકથી ગુજરાત સરકારના પરિવારમાં જોડાયા છો. આપ સૌની જવાબદારી બદલાઈ ગઈ છે. આજથી તમે ફરિયાદી નહીં ફરિયાદીના સહાયક બનીને તેના નિરાકરણ લાવનાર વ્યક્તિમાં આવી ગયા છો. એપ્રિલ-2025થી અત્યાર સુધી 101 જેટલી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર પાડી છે અને રાજ્યના લાખો લોકોનું સપનુ પૂરુ કર્યું છે.
આજે તમે ગામમાં જશો એટલે તમને લોકો સાહેબ-સાહેબ કહેશે પણ એ શબ્દમાં ભરમાતા નહીં, સાહેબ-સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં, ભૂલતા નહીં કે આપણે સાહેબ શબ્દ માટે રાત-દિવસ મહેનત નહોતી કરી. સાહેબ શબ્દની નજીક બહુ પડતા નહીં, પડશો તો ત્યારથી જ તમારુ પતન શરુ થઈ જશે એટલે એનાથી દૂર રહેવું. આ મારો અનુભવ છે અને એટલા માટે હું તમને અનુભવ શેર કરુ છું. ગાંધીજીએ જે કહેલુ એ યાદ રાખજો. આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારુ કામ કરશો એટલે તમારા કામનો વિરોધ કરનારા અનેક લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આપણે કામ શરુ રાખવાનું છે કે, સમાજ માટે સારામાં સારુ કામ થાય એ રીતે કામગીરી કરવી.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર-તેડાગર તરીકે પસંદગી પામેલા લગભગ 9000 ઉમેદવારોને તેમજ ગૃહ વિભાગ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ-LRD સહિતની 12,000થી વધુ પદોની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂકપત્રો એનાયત કરવામાં આવશે. આ બંને મોટી ભરતીઓના નિમણૂકપત્ર વિતરણ કાર્યક્રમો રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પારદર્શક રીતે યોજાશે, જેથી હજારો યુવાનો અને મહિલાઓને સરકારી નોકરી મળી રહે.
