મદદ/ સુરેનદ્રનગરમાં અગરિયાઓને રાહત, 1187 અગરિયાને સોલારપંપ માટે આર્થિક સહાય

ઝાલાવાડના તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાને અડીને આવેલું કચ્છનું નાનું રણ અને તેમાં ઉત્પન્ન થતું મીઠું એ આ વિસ્તારના અગરિયા…

Top Stories Gujarat
અગરિયાઓને રાહત

અગરિયાઓને રાહત: કચ્છના નાના રણનો મીઠા ઉદ્યોગ ગુજરાતના સૌથી જૂના ઉદ્યોગો પૈકીનો એક ઉદ્યોગ છે. કચ્છના નાના રણમાં ધોમધખતા તાપમાં અને હાડ ગાળી નાંખે તેવી ઠંડીમાં અગરિયા ભાઈઓ ઓક્ટોબરથી મે મહિના દરમિયાન જુદા-જુદા સ્થળે મીઠું પકવે છે. પરંતુ સૌનો સાથ સૌના વિકાસના ધ્યેય મંત્ર અને વરેલી આ સરકારે ગુજરાતના તમામ ક્ષેત્રોની સાથે અંતરિયાળ વિસ્તારોના વિકાસનો જે યજ્ઞ આરંભ્યો છે, તેનો લાભ આ રણ વિસ્તારના અગરિયા પરિવારોને પણ મળ્યો છે.

ઝાલાવાડના તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાને અડીને આવેલું કચ્છનું નાનું રણ અને તેમાં ઉત્પન્ન થતું મીઠું એ આ વિસ્તારના અગરિયા પરિવારોના જીવનનિર્વાહ માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. વર્ષના આઠ મહિના કાળઝાળ ગરમી અને હાડ થીજાવી દે તેવી ઠંડીમાં રણકાંઠાના ગામડાના અગરિયાઓ તેમના પરિવાર સાથે રણમાં ઝૂંપડા બાંધી જમીનમાં બોર કરી તેમાંથી પાણી ખેંચીને મીઠું પકવતા હોય છે. એક જમાનામાં રણમાં કૂવામાંથી ઢીકવા દ્વારા બ્રાઈન ખેંચીને મીઠું પકવવામાં આવતું. કાળક્રમે ઢીકવાના બદલે બળદ અને કોસનો ઉપયોગ થવા લાગ્યો અને આજે હવે અહીંના અગરિયાઓ ડીઝલ એન્જિન દ્વારા બ્રાઇન ખેંચી મીઠું પકવીને આપણા સુધી સબરસ પહોંચાડી રહયા છે.

અગરિયાઓ આર્થિક રીતે સમૃદ્ધ બને અને કચ્છના નાના રણને ડીઝલ એન્જિનના ધુમાડાથી મુક્ત કરી શકાય તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે સોલાર પંપ સિસ્ટમ સહાય યોજના અમલમાં મૂકી છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના 780 અને ધ્રાંગધ્રા તાલુકાના 407 એમ મળી કુલ 1187 અગરિયા પરિવારોને આ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવી છે.

રણમાં મીઠાનું ઉત્પાદન કરવા માટે અગરિયાઓને જમીનના તળમાંથી સારું પાણી ખેંચવું પડે છે. આ માટે અત્યાર સુધી અગરીયાઓ ડીઝલ મશીનનો જ ઉપયોગ કરતા હતા. જેમાં તેમને વાર્ષિક અંદાજે 12 બેરલ જેટલા ડીઝલની જરૂરિયાત રહેતી, જેના કારણે તેમના મીઠાના ઉત્પાદનની મોટા ભાગની રકમ ડીઝલના વપરાશ પાછળ જ ખર્ચાઈ જતી અને વર્ષના આઠ મહિના મહેનત કરવા છતાં પણ અગરિયા પરિવારોની આર્થિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો ન હતો. જેથી રાજ્યસરકારે રણકાંઠાના અગરિયા પરિવારોને આર્થિક પરિસ્થિતિને પિછાણીને આવા અગરિયા પરિવારોને ડીઝલના ખર્ચમાંથી મુક્તિ મળે સાથો-સાથ મીઠાનું ઉત્પાદન વધે અને તેમની આવકમાં વધારો થાય તે માટે સોલાર પંપની યોજના અમલી બનાવી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા રણમાં મીઠું પકવતા અગરીયાઓ માટે સોલાર પંપની ખરીદી ઉપર 80 ટકા સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનું અમલીકરણ ઉદ્યોગ કમિશનરની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી દ્વારા કરવામાં આવી રહયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા 1187 લાભાર્થી અગરિયા પરિવારોની અરજી આ યોજના હેઠળ મંજૂર કરીને તેમને 21.23 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

અગરિયાઓ એક દિવસમાં સરેરાશ દસથી બાર લિટર ડીઝલનો વપરાશ કરતા હોય છે. સિઝનના 8 મહિના દરમિયાન વપરાતા ડીઝલની કિંમત અંદાજિત ૩ લાખ રૂપિયા કરતાં પણ વધારે થતી હોય છે

રાજ્ય સરકારની આ યોજનાથી આગામી સમયમાં અગરિયાઓનાં જીવનમાં ખૂબ મોટો આર્થિક બદલાવ આવશે તેમ જણાવતા નવાગામ ખારાઘોડાનાં અગરિયા જીલુભાઇ પાટડીયા જણાવે છે કે, અમે રણમાં મીઠું પકવીએ છીએ. અમે પહેલા ડીઝલ મશીન દ્વારા મીઠું પકવતા હતા ત્યારે અમારે ખૂબ ખર્ચ થતો હતો અને શારીરિક શ્રમ પણ વધી જતો હતો પણ હવે સરકારની આ સોલાર યોજનાનો લાભ અમને મળવાથી અમારા ખર્ચમાં પણ ઘટાડો થઈ ગયો છે અને સિઝનમાં અમને ઘણો ફાયદો થઈ રહ્યો છે જે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

સોલાર સિસ્ટમ યોજના અગરિયાઓ માટે આર્શીવાદરૂપ યોજના છે તેમ જણાવતા નવા ગામના  દિલુભાઇ પોરડીયા જણાવે છે કે, મને રાજ્ય સરકારની સોલાર સિસ્ટમ યોજનાનો વર્ષ 2018 થી લાભ મળ્યો છે પહેલા મીઠું પકવવા માટે અમો ડીઝલ પંપનો ઉપયોગ કરતા હતા જેમાં અમારે સીઝન દરમિયાન આઠ બેરલ ડીઝલનો વપરાશ થતો હતો પરંતુ આ સોલાર સિસ્ટમ યોજના આવી જવાથી અમારે માત્ર ચાર બેરલ ડીઝલ જ વપરાય છે. જેથી અમને આર્થિક રીતે ઘણો ફાયદો થયો છે.

અગરિયાઓનું સામાજિક-આર્થિક ઉત્થાન થાય અને સૌને સબરસ પીરસનારનું જીવન પણ સબરસ બને તે માટે રાજ્ય સરકારે હાથ ધરેલું આ અભિનવ કાર્ય આગામી દિવસોમાં સાચા અર્થમાં ખારાપાટ વિસ્તારના અગરિયા પરિવારોના જીવનમાં નવો ઉજાસ પાથરશે.

આ પણ વાંચો: Sidhu Musewala Murder/ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ માટે મંજૂરી, તમામ રૂટની વીડિયોગ્રાફી કરાશે