ભાવેશ રાજપૂત
અમદાવાદના નરોડા રિંગરોડ પર ચપ્પુની અણીએ લૂંટની ઘટના બની છે, જેમાં રાતના સમયે રિક્ષામાં બેસાડીને રાજસ્થાનના વતની યુવક પાસેથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ થઈ છે.અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને રાજસ્થાનના વતની માલારામ બિશ્રોઈ નામના યુવક સાથે લૂંટની ઘટના સામે આવી છે, યુવક નિકોલમાં છેલ્લા દોઢ વર્ષથી પોતાના સંબંધીનાં ત્યા રહે છે અને લોડિંગ ટેમ્પો ચલાવે છે. તેઓને પોતાના વતન જવાનું હોવાથી મંગળવારે રાતના 9 વાગે ઓઢવ રીંગરોડ પર પામ હોટલ પાસેથી અડાલજ જવા માટે રિક્ષામાં નીકળ્યા હતા. રિક્ષામાં તેઓની સાથે અન્ય એક યુવક પણ મુસાફરી કરી રહ્યો હતો.
રાતનાં 10 વાગે આસપાસ રિક્ષા નાના ચિલોડાથી ભાટ ટોલટેક્ષ તરફ જઈ રહી હતી તે સમયે સાબરમતી નદીના બ્રિજ પહેલા જ ખોડીયાર માતાના મંદિર પાસે રીક્ષા ડ્રાઈવરે પોતાની રિક્ષા સાઈડમાં કરી હતી.જે બાદ રિક્ષાચાલકે ચપ્પુ કાઢીને યુવકને બતાવીને ધમકાવ્યો હતો તેમજ રિક્ષામાં બેસેલા અન્ય યુવકે માલારામનાં ખિસ્સામાં હાથ નાખી પાકીટ કાઢી લીધુ હતુ.તેઓનાં પાકીટમાં 11,000 રૂપિયા તેમજ જરૂરી ડોક્યુમેન્ટની સાથે બન્ને શખ્સોએ તેઓનો મોબાઇલ પણ લૂંટી લીધો હતો.
જે બાદ રિક્ષાચાલક માલારામને ત્યાં ઉતારી રિક્ષા લઈને ભાટ ટોલટેક્ષ તરફ ભાગી ગયો હતો, માલારામે રોડની બીજી તરફ નાના ચિલોડા જવાના રસ્તે ઉભા રહીને ત્યાંથી નીકળતી એક ગાડી ઉભી રખાવી પોતાની સાથે બનેલી લૂંટની ધટના જણાવી હતી. જે બાદ માલારામે તે ગાડીમાં બેસીને રિક્ષાનો પીછો કર્યો હતો, પીછો કરતા સમયે નાના ચિલોડા સર્કલ પહેલા ગામઠી-2 હોટલ પાસે કારના ડ્રાઈવરે રીક્ષા પાસે જઈને રીક્ષા ઉભી રાખવાનું કહેતા રિક્ષાચાલકે રીક્ષા ફગાવી હતી, જેથી કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા કારનો સાઈડનો કાચ તૂટી ગયો હતો અને રિક્ષાને ટક્કર વાગતા તે ત્યાં જ બંધ પડી ગઈ હતી.
રિક્ષા બંધ પડતા જ બન્ને ઈસમો રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા, જો કે માલારામે રીક્ષામાં તપાસમાં એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તે સમયે ત્યાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જે પછી માલારામે પોલીસને ફોન કરીને જાણ કરી હતી અને પોતાની સાથે થયેલી લૂંટની ધટના બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
