આંચકાનો દૌર/ કોંગ્રેસનાં અસંતુષ્ટોની બીજા પક્ષોમાં ભાગવાવાળી

અનિર્ણાયકતા અને જૂથબંધીના રાજરોગથી પીડાતી કોંગ્રેસનાં અસંતુષ્ટો ચૂંટણી નજીક છે, ત્યારે ભાગવાવાળી કરી રહ્યા છે. ભાજપ ના માફક આવે તેઓ આમ આદમી પાર્ટીના દ્વારે પહોચી જાય છે. કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જાહેરમાં અસંતોષનું વોમિટિંગ કરી રહ્યા છે. તેના પડઘા દિલ્હી સુધી પાડવાના ચાલુ થયા છે. તેઓ રહેશે કે ભગશે તે પણ ચર્ચાનો સવાલ  થયો છે. 

Mantavya Exclusive
Untitled 1 1 કોંગ્રેસનાં અસંતુષ્ટોની બીજા પક્ષોમાં ભાગવાવાળી

@પ્રફુલ ત્રિવેદી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા મારી રહી છે. ચૂંટણી વહેલી યોજાશે કે સમયસર તે પ્રશ્ન હજુ લટકતો છે. ત્યાં જ અનિર્ણાયકતા અને જૂથબંધીના રાજરોગથી પીડાતી કોંગ્રેસમાં દર વખતની જેમ આક્ષેપો અને ભાગાભાગીનો દૌર શરૂ થયો છે. ગઇકાલે રાજકોટના ઇન્દ્ર્નિલ રાજગુરુ અને વશરામ સાગઠીયા આપમાં જોડાયા બાદ પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂ ભાજપમાં જોડાયા છે. કામિનીબા રાઠોડ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસ પાટીદારોનું માન સન્માન જાળવી શક્તી નથી. હું કોંગ્રેસ છોડી દઉં તેવું કેટલાક ઇચ્છી રહ્યા છે. સ્થિતિની જાણ રાહુલ ગાંધીને કરી પણ તેમાં ફેર પડતો નથી. નશબંધી કરેલા વરરાજા જેવી મારી સ્થિતિ છે. મને કશું પુછવામાં આવતું નથી. જો કે સાંજ  પડતાં તેમનો સૂર થોડો પલટાયો પણ હતો. કે પોતાની વાત જાહેરમાં કહેવાનો સૌને હક્ક તો છે જ ને. મારા પિતા સાથે પણ મતભેદો થતાં હતા. એનો અર્થ એ નહીં કે હું ઘર છોડીને નીકળી જાઉં. હાર્દિક પટેલ શું કરશે તે પણ મોટો સવાલ ઊભો થયો છે. કોંગ્રેસમાં રહે છે કે, પછી રામરામ  કરીને આપમાં કે ભાજપમાં જાય છે ? આ બાબતે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે.

ચૂંટણી નજીક આવે ત્યારે દર વર્ષે કોંગ્રેસ-પાર્ટી  ડ્ખ્ખાપાર્ટી બની જતી હોય છે. એમાં પણ ટિકિટોની વહેચણી  વખતે તો રહી ગયેલાઓ ધમાલ મચાવે છે. કોંગ્રેસનાં કાર્યાલય પર જ પથ્થરમારા થયાના બનાવો અગાઉ નોધાઈ ચૂક્યા છે. આ વખતે ખેંચતાણની શરૂઆત થોડી વહેલી શરૂ થઈ ગઈ છે. કેટલાક વર્તમાન અને પૂર્વધારાસભ્યો, વંડી ઠેકવા ટાંપીને બેઠા છે.

બીજી તરફ કોંગ્રેસમાં શિસ્ત લાવી શકે, જનારાઓને સમજાવી શકે તેવા કદાવર નેતાઓ પણ બચ્યા નથી. જેનો ફાયદો ભાજપ  બાદ હવે આમ આદમી પાર્ટીને પણ મળવા લાગ્યો છે. જેમને ભાજપ સામે વાંધો હોય તેમણે આપનું ઝાડુ પણ દેખાવા માંડ્યુ છે. આમ થવાથી ભાજપના મેનેજરો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. હાલ તો ભાજપ વિરોધી મતો કોંગ્રેસ અને આપ વચ્ચે વહેચાઈ  જશે. તેથી સીધો ફાયદો ભાજપને જ થવાનો છે. પણ ભાજપને એ બીક છે કે આપના થોડાઘણા ધારાસભ્યો ચૂંટાઈ ગયા તો કોંગ્રેસ કરતાં ભારે પડશે. ડોશી મરે એનો વાંધો નહીં પણ યમ ઘર ભાળી જશે…!