MANTAVYA Vishesh/ મંદિરના નામ પર થયા ગોળીબાર : રામમંદિર આંદોલનની શરુઆતથી લઈ ભૂમિપૂજન સુધીની કહાની…

મંતવ્યની વિશેષની રામજન્મભુમિનાં ઈતિહાસની આ શ્રેણીમાં અત્યાર સુધીમાં આપણે જોયું કે ગર્ભગૃહનાં તાળાં ખૂલતાંની સાથે જ રાજનીતિની અસર ઉત્તરપ્રદેશથી સમગ્ર દેશમાં થવા લાગી…આજનાં મંતલવ્ય વિશેષમાં જાણો રામમંદિર આંદોલનની શરૂઆતથી લઈને અયોધ્યામાં રામલલ્લા મંદિરના ભૂમિપૂજન સુધીની સંપૂર્ણ કહાની

Mantavya Exclusive Mantavya Vishesh
રામમંદિર

1990થી 2024 આ 34 વર્ષ, જે રામમંદિર વિવાદનો સૌથી મહત્ત્વપૂર્ણ સમયગાળો હતો. આ 34 વર્ષમાં રામમંદિરના નામે ગોળીઓ ચલાવવામાં આવી, રમખાણો ફાટી નીકળ્યાં અને રામલલ્લા કોર્ટમાં પહોંચ્યા.. ‘રામજન્મભૂમિનો ઈતિહાસ’માં અત્યારસુધી આપણે જોયું કે રામમંદિરે કેવી રીતે રાજકીય રંગ લીધો. કેવી રીતે 1986માં ગર્ભગૃહનાં તાળાં ખૂલતાંની સાથે જ આ રાજનીતિની અસર ઉત્તરપ્રદેશથી સમગ્ર દેશમાં થવા લાગી…આજનાં મંતલવ્ય વિશેષમાં જાણો રામમંદિર આંદોલનની શરૂઆતથી લઈને અયોધ્યામાં રામલલ્લા મંદિરના ભૂમિપૂજન સુધીની સંપૂર્ણ કહાની…

1986માં ગર્ભગૃહનું તાળું ખોલવામાં આવ્યું અને ત્યારબાદ રામ મંદિર વિવાદે ભારે હોબાળો મચાવ્યો હતો, અને વિશ્વ હિન્દુ પરિષદ આ મુદ્દે હિન્દુઓને એક કરી રહી હતી.1984માં VHPની ધર્મ સંસદમાં પણ રામ મંદિરનો મુદ્દો ચર્ચાયો હતો. તો 1980માં રચાયેલી ભાજપે તે મુદ્દાને રાજકીય અવાજ આપ્યો જેના વિશે કોંગ્રેસ ખચકાતી હતી. ભાજપનું વલણ હતું કે આ મામલે કોર્ટ નહીં પણ સરકારે પગલાં લેવા પડશે, તો કાયદાકીય મોરચે પણ સક્રિયતા વધી હતી. બાદમાં 1989માં રામ મંદિર વિવાદ સંબંધિત તમામ અરજીઓ ઈલાહાબાદ હાઈકોર્ટમાં શિફ્ટ કરવામાં આવી.

1989માં બે મોટી ઘટનાઓ બની,જેમાં પહેલી: 1 જુલાઈ, 1989 ના રોજ ભૂતપૂર્વ ન્યાયાધીશ દેવકી નંદન અગ્રવાલે રામ મિત્ર તરીકે અરજી દાખલ કરી. જેમાં રામલલ્લા વિરાજમાનને ન્યાયિક વ્યક્તિ ગણાવીને વિવાદિત જમીન પર તેમનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. રામલલ્લાને ન્યાયિક વ્યક્તિ તરીકે માનવાથી જ તેમને 2019 માં જમીનના અધિકારો આપવાનો રસ્તો ખુલ્યો… ત્યારબાદ બીજી ધટનાં 9 નવેમ્બર, 1989 ના રોજ રાજીવ ગાંધી સરકારની પરવાનગીથી અયોધ્યામાં વિવાદિત માળખાંની નજીક શિલાન્યાસ કરવામાં આવ્યો. જો કે મુસ્લિમ પક્ષના વિરોધને કારણે મંદિરનું નિર્માણ શરૂ ન થઈ શકયું. આ વિરોધે ભાજપને એક મુદ્દો આપી દીધો અને તેની અસર 1990માં દેખાઈ

1989 માં કેન્દ્રમાં વીપી સિંહ સરકારની રચના થઈ. તે સમયે સપાના મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.ત્યારે ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ 25 સપ્ટેમ્બર 1990ના રોજ સોમનાથથી રથયાત્રાની શરૂઆત કરી હતી, જે 30 ઓક્ટોબરે અયોધ્યા પહોંચવાની હતી, અને આ માટે અયોધ્યામાં કારસેવકો ભેગા થવા લાગ્યા હતા, પરંતુ આ સમયે રથયાત્રાને રોકીને અડવાણીની બિહારમાં ધરપકડ કરવામાં આવી. આ ઘટના બાદ અયોધ્યામાં એકઠા થયેલા કારસેવકો 30 ઓક્ટોબરે ઉશ્કેરાયા હતા, અને કેટલાક જૂથો વિવાદિત માળખામાં પ્રવેશવાનો પ્રયાસ શરૂ કરવા લાગ્યા. ત્યારબાદ રાજ્ય સરકારના આદેશ પર પોલીસે ગોળીબાર કર્યો, અને આ ઘટનામાં 16 જેટલા કારસેવકો માર્યા ગયા

યુપીમાં જ્યારે ભાજપની સરકાર બની તો આ આંદોલને વેગ પકડ્યો, 1991માં ભાજપના કલ્યાણ સિંહ યુપીના સીએમ બન્યા હતા. તેમણે અયોધ્યામાં વિવાદિત 2.77 એકર જમીન પ્રવાસન વિકાસ માટે કબજે લઈ લીધી. તેમજ નજીકની 42 એકર જમીન વિહિપને લીઝ પર આપી દીધી. વીપી સિંહ સરકાર દ્વારા આરક્ષણ અંગેના મંડલ કમિશનનો રિપોર્ટ લાગૂ કરવાથી દેશમાં ઉજળિયાત અને પછાતની રાજનીતિ તીવ્ર બની. બાદમાં આ માહોલમાં ભાજપના મંદિરની માંગનું સમર્થન પણ વધી ગયું.1992ના ડિસેમ્બરમાં અયોધ્યામાં કારસેવાની તારીખ નક્કી કરવામાં આવી, અને શાંતિ-વ્યવસ્થાની વાત આવી ત્યારે કલ્યાણ સિંહૈ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું કે શાંતિ જાળવી રાખવામાં આવશે.

6 ડિસેમ્બર, 1992 માં અયોધ્યાનું રૂપ બદલાયું, 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કાર સેવકોની ભીડ હતી. એ.જી. નૂરાની તેમના પુસ્તક ‘બાબરી મસ્જિદ – અ મેટર ઓફ નેશનલ ઓનર’માં લખે છે – 6 ડિસેમ્બરની સવારે લાખો કાર સેવકો અયોધ્યામાં પહોંચ્યા હતા અને નારા લાગી રહ્યા હતા કે …
“મિટ્ટી નહીં ખિસકાએંગે, ઢાંચા તોડ કર જાયેંગે.”…કોઈ મસ્જિદના ગુંબજ પર ચઢ્યું તો કોઈએ દીવાલ તોડવાનું શરૂ કર્યું, અને પછીના 6 કલાકમાં માળખાંનું નામ-ઓ-નિશાન ભૂંસી નાખવામાં આવ્યું અને ત્યાં “અસ્થાયી મંદિર બનાવી દેવાયું..કોઈએ આ ઘટનાને રોકવાનો પ્રયાસ પણ કર્યો નહીં

માળખું તૂટતાં જ દેશમાં રમખાણો ફાટી નીકળ્યા, ત્યારે વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે સ્પષ્ટતા કરી કે સુરક્ષા રાજ્ય સરકારના હાથમાં હતી.યુપીમાં કલ્યાણ સિંહની સરકારને બરખાસ્ત કરવામાં આવી અને તપાસ માટે લિબ્રાડન કમિશન બન્યું.ત્યારબાદ અડવાણી અને કલ્યાણ સિંહ સહિત ભાજપના અનેક નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યા..1993માં કેન્દ્રએ સમગ્ર 67 એકર જમીન સંપાદિત કરી અને યથાસ્થિતિ જાળવી રાખી. માળખું ધરાશાયી થયા બાદ રામલલ્લાને તંબુમાં રાખવામાં આવ્યા હતા અને 27 વર્ષ સુધી રામલલ્લા તંબૂમાં જ રહ્યા. હવે કેસની તપાસ સીબીઆઈએ શરૂ કરી. કોર્ટમાં કેસ ખેંચાતો રહ્યો અને મંદિરની આંદોલનનો સ્વર ધીમો પડી ગયો.

10 વર્ષ પછી ગોધરાકાંડથી ચિંગારી ભડકી ઉઠી, માળખું તૂટી પડ્યાના 10 વર્ષ પછી 2002માં ગુજરાતના ગોધરામાં કારસેવકોથી ભરેલી ટ્રેનની બોગીમાં આગ લગાવી દેવાઈ, અને ત્યારબાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા અને દેશમાં રામ મંદિરની ચર્ચાએ જોર પકડ્યું. 2002 માં ઈલાહાબાદ હાઈકોર્ટે રામ જન્મસ્થાનના સ્વામિત્વ વિવાદમાં સુનાવણી શરૂ કરી અને 2003 માં એ.એસ.આઈ.ને સર્વેક્ષણનો આદેશ આપ્યો. એ.એસ.આઈ.એ દાવો કર્યો હતો કે ખોદકામ દરમિયાન 10 મી સદીના પથ્થરો મળી આવ્યા છે, જે કોઈ હિન્દુ મંદિરના હોઈ શકે છે. આ દરમિયાન 5 જુલાઈ 2005 ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં આતંકવાદી હુમલો થયો હતો, અને હુમલામાં લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદીઓ માર્યા ગયા.

હવે 30 સપ્ટેમ્બર 2010 ના રોજ ઈલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીન કેસમાં પોતાનો ચુકાદો આપ્યો, અને કોર્ટે જમીનને 3 ભાગમાં વહેંચી દીધી. જેમાં
સુન્ની વમ્ફ બોર્ડને વિવાદિત જગ્યાનો બહારનો ભાગ, નિર્મોહી અખાડાને સીતા રસોઈ અને રામ ચબૂતરા, તો મુખ્ય ભૂમિ રામલલ્લા વિરાજમાનને સોંપવામાં આવી. જો કે, માત્ર 6 મહિના પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી અને રામ મંદિર સંબંધિત કેસોની સુનાવણી પોતે જ કરવાનો નિર્ણય કર્યો. જો કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ખેંચાતો રહ્યો.

ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે સરકાર બનાવી, અને આ લોકસભાની ચુટણીમાં પાર્ટીના ઢંઢેરામાં રામ મંદિર મુખ્ય મુદ્દો હતો.
કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ આ મામલાએ કોર્ટમાં પણ વેગ પકડ્યો. 2017માં 3 જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી અને 2019માં તત્કાલિન સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજોની બેન્ચ બની. 9 નવેમ્બર 2019ના રોજ આ બેન્ચે અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં પોતાનો ચૂકાદો આપ્યો. જેમાં વિવાદિત જમીનમાં રામલ્લા વિરાજમાનનું સ્વામિત્વ માનવામાં આવ્યું. આમ 2014માં ભાજપ કેન્દ્રમાં આવી અને 2019માં ચૂકાદો આવ્યો.

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર જમીન પર રામલલ્લા વિરાજમાનનો અધિકાર માન્યો. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવીને જમીન સોંપી દેવામાં આવે. સાથે જ મંદિર નિર્માણ, ટ્રસ્ટના સંચાલન અને જાળવણી માટે કેન્દ્રને ગાઈડલાઈન બનાવવાની સલાહ આપી.
આ મામલે નિર્મોહી અખાડા પણ માલિકી હકનો દાવાદાર હતો. કોર્ટે જમીન પર તેમનો દાવો ન માન્યો, પરંતુ એ જરૂરથી કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટમાં તેમનું પ્રતિનિધિત્વ હોય.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને એ નિર્દેશ આપ્યો કે મસ્જિદ બનાવવા માટે સુન્ની વક્ત બોર્ડને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવામાં આવે. અયોધ્યા જિલ્લાના ધન્નીપુર વિસ્તારમાં સુન્ની વક્ત બોર્ડને મસ્જિદ માટે 5 એકર જમીન આપવામાં આવી છે. અહીં મસ્જિદ નિર્માણ અને જાળવણી માટે સુન્ની વક્કુ બોર્ડે મે 2020માં ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવ્યું. અહીં મસ્જિદની સાથે-સાથે 300 બેડની હૉસ્પિટલ, કોમ્યુનિટી કિચન અને ઈન્ડો- ઈસ્લામિક રિસર્ચ સેન્ટર બનાવવાની તૈયારી છે. ફેબ્રુઆરી 2024માં મસ્જિદ નિર્માણની પ્રક્રિયા આગળ વધશે.

ત્યારબાદ રામમંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મંદિર નિર્માણ શરૂ કર્યું. 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું.
ટ્રસ્ટના સચિવ ચંપત રાય અનુસાર, ફેબ્રુઆરી 2023 સુધી ટ્રસ્ટને 3200 કરોડ રૂપિયાનું દાન મળ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023ના અંત સુધી આંકડો 5000 કરોડ સુધી પહોંચી ગયો. તો ટ્રસ્ટ અનુસાર, 5 ફેબ્રુઆરી 2020થી 31 માર્ચ 2023 સુધી મંદિર નિર્માણમાં 900 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. મંદિરનો કુલ અંદાજિત ખર્ચ 18,000 કરોડ છે. મંદિર નિર્માણનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામલલ્લા મંદિરમાં બિરાજશે.

રામમંદિર વિવાદના 500 વર્ષના ઈતિહાસને સમજવા માટે આ મામલાને કાયદાકીય રીતે સમજવો પણ જરૂરી છે. આ વિવાદ સાથે જોડાયેલી કેટલી અરજીઓ થઈ?, શ્રીરામલલ્લા મંદિરની કાયદાકીય યાત્રા કેટલા તબક્કામાંથી પસાર થઈ? અને અંતે ભગવાન રામને જમીન માલિકીનો હક કેવી રીતે મળ્યો?
આ તમામ સવાલોના જવાબ મંત્વય વિશેષનાં કાલના એપિસોડમાં…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ