New Delhi News : અયોધ્યાના શ્રી રામ લલ્લા મંદિર (Ram Mandir)સાથે જોડાયેલા પ્રસાદ અને દાનની ચોરીના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંઘનું કહેવું છે કે આ ઘટના માત્ર ચોરીનો કેસ નથી, પરંતુ કરોડો રામ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને આઘાત પહોંચાડનારી ઘટના છે. સંઘે દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સાથે મંદિરની નાણાકીય વ્યવસ્થા અને સુરક્ષા વધુ મજબૂત બનાવવાની માંગ કરી છે.
દત્તાત્રેય હોસાબલેએ શું કહ્યું?

RSSના મહામંત્રી દત્તાત્રેય હોસાબલે (Dattatreya Hosabale)એ જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ પામેલું ભવ્ય શ્રી રામ મંદિર ((Ram Mandir)) લાખો ભક્તોના વર્ષો લાંબા સંઘર્ષ, સમર્પણ અને બલિદાનનું પ્રતીક છે. આવા પવિત્ર સ્થળે દાન અને પ્રસાદ સાથે સંકળાયેલી ચોરીની ઘટના સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
તેમણે જણાવ્યું કે આ ઘટનાને સામાન્ય ગુના તરીકે નહીં, પરંતુ કરોડો ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલા અત્યંત ગંભીર મુદ્દા તરીકે જોવી જોઈએ.
SIT તપાસ અને કડક કાર્યવાહીની માંગ
RSSએ જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી બાદ ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. તપાસમાં જે કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ.
સંઘના જણાવ્યા અનુસાર, માત્ર તપાસ પૂરતી નથી, પરંતુ દોષિતોને યોગ્ય સજા મળે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અસરકારક પગલાં જરૂરી છે.
મંદિર વ્યવસ્થાપનમાં સુધારાની જરૂરિયાત
RSSએ મંદિર ટ્રસ્ટને સંચાલન અને નાણાકીય વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા અપીલ કરી છે. સંઘનું માનવું છે કે પારદર્શક નાણાકીય વ્યવસ્થા, મજબૂત દેખરેખ, સુરક્ષા વ્યવસ્થા અને ધાર્મિક પવિત્રતાનું જતન કરીને ભક્તોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવી શકાય છે.
સંઘે આશા વ્યક્ત કરી કે મંદિર ટ્રસ્ટ અને તપાસ એજન્સીઓ મળીને યોગ્ય સુધારાત્મક પગલાં લેશે.
હિન્દુ સમાજને ધીરજ રાખવાની અપીલ
પોતાના નિવેદનના અંતે RSSએ હિન્દુ સમાજને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી છે. સંઘે જણાવ્યું કે કેટલીક હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ આ ઘટનાનો લાભ લઈને સમાજમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે. તેથી દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ.
સંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિષ્પક્ષ તપાસ, પારદર્શિતા અને અસરકારક સુધારાઓ દ્વારા મંદિરની પવિત્રતા અને કરોડો ભક્તોની શ્રદ્ધા યથાવત રહેશે.
આ પણ વાંચો: અયોધ્યામાં રામ પથ-ભક્તિ પથ પર લગાવેલી 3800બેમ્બૂ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી
આ પણ વાંચો: અયોધ્યાના રામ મંદિરમાં આટલો મોટો ખજાનો ક્યાંથી આવ્યો? દાનપેટીએ સંવેદનાને આંચકો આપ્યો
આ પણ વાંચો:અયોધ્યા ગેંગરેપ મામલે રાજકારણ ગરમાયું, અખિલેશે DNA ટેસ્ટની કરી માંગ
