Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં UGVCLની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક લાભાર્થીને અચાનક રૂપિયા 4.97 લાખનું વીજ બિલ ફટકારાતા ભારે વિવાદ સર્જાયો છે. સામાન્ય આવક ધરાવતા પરિવાર માટે લાખો રૂપિયાનું બિલ આવતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે.
UGVCLની કામગીરી સામે ગંભીર સવાલો
લાભાર્થીએ આક્ષેપ કર્યો છે કે વીજ મીટરના રીડિંગમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. પરિવારનું કહેવું છે કે તેમના ઘરનો વીજ વપરાશ એટલો નથી કે લાખો રૂપિયાનું બિલ આવે. તેથી મીટર રીડિંગ અને બિલિંગ પ્રક્રિયામાં ભૂલ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહિશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે UGVCL દ્વારા બિલ બનાવતા પહેલાં યોગ્ય ચકાસણી કરવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
લાભાર્થી અને સ્થાનિકોએ UGVCL પાસે બિલની તાત્કાલિક પુનઃચકાસણી કરવાની માંગ કરી છે. સાથે જ મીટરની તકનીકી તપાસ કરીને યોગ્ય બિલ આપવાની માંગ પણ ઉઠી છે. જો સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આ સમગ્ર મામલે હવે સૌની નજર UGVCLના જવાબ અને બિલની તપાસના પરિણામ પર છે. જો ખરેખર બિલિંગમાં ગેરરીતિ સામે આવશે તો વીજ કંપનીની કામગીરી સામે વધુ ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.
આ પણ વાંચો:પાટણમાં UGVCLનો લાંચિયો એન્જિનિયર એન્ટિ કરપ્શન બ્યૂરોના છટકામાં સપડાયો
આ પણ વાંચો:મહેસાણાના વિસનગરમાં UGVCLના કર્મીઓ પર હુમલો
