Gandhinagar News : રાજ્ય સરકાર (Gujarat Government)ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વીજપોલ (Electricity Pole)માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ચૂકવવામાં આવતા વળતરમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને ચિંતાઓને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં નવી વળતર નીતિ જાહેર કરવામાં આવશે.

હાલમાં ખેડૂતોને વીજપોલ (Electricity Pole) માટે લેવામાં આવતી જમીન બદલ જંત્રીના દર મુજબ વળતર (Compensation)ચૂકવવામાં આવે છે. જોકે, આ પદ્ધતિને લઈને ખેડૂતો સતત અસંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. નવી નીતિ હેઠળ હવે બજાર મૂલ્ય (માર્કેટ વેલ્યુ)ના આધારે વળતર નક્કી કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને અત્યાર સુધી મળતા વળતર કરતાં નોંધપાત્ર વધુ રકમ મળશે.
વીજપોલ (Electricity Pole)સ્થાપનાને લઈને થતા વિવાદોમાં પણ ઘટાડો થવાની શક્યતા
સરકારના પ્રસ્તાવ મુજબ ખેડૂતોને તેમની જમીનની વર્તમાન બજાર કિંમતના બે ગણાં સુધીનું વળતર આપવામાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ રાજ્યભરના હજારો ખેડૂતોને સીધો લાભ મળશે અને વીજપોલ (Electricity Pole)સ્થાપનાને લઈને થતા વિવાદોમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
સરકારનું માનવું છે કે ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવાથી વિકાસ કાર્યોમાં સહકાર વધશે તેમજ ખેડૂતોના આર્થિક હિતોનું પણ રક્ષણ થશે. સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત અને અમલીકરણની વિગતો જાહેર કરે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક ભાઇ વેકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા, વિચાર વિમર્શ અને પરામર્શ કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.

ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર (૨૦૦%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તે પરત્વે વિવિધ ખેડુત સંગઠનો તરફથી મળતી રજુઆતો અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મોટો સુધારો કરીને, જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate)ના બમણા ભાવ ચૂકવવાનો ખેડૂત હીત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે.
અગાઉ જમીનમાલિકોને વળતર અંગે, ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચુકવણી થતી હતી, તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનું નિર્ધારિત થયેલ છે.
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એમ.આર.સી. (Market Rate Committee)ની રચના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડુતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટરશ્રી, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે.
બીજી તરફ, વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમ.આર.સી દ્વારા નિર્ધારીત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના ૩૦%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60% મુજબ વળતર આપવામાં આવશે.
રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને આ નીતિ નો લાભ મળવાપાત્ર રહેશે.
