Ludhiana News:લુધિયાણાના એક ઉદ્યોગપતિને ‘ડિજિટલ એરેસ્ટ’(Digital arrest)ના નામે છેતરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી લગભગ 7 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હવે મોટી કાર્યવાહી શરૂ કરી છે.
5 રાજ્યોમાં 11 સ્થળે EDના દરોડા
EDએ PMLA એક્ટ અંતર્ગત તપાસ આગળ વધારતા પંજાબ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને આસામ સહિત કુલ 5 રાજ્યોમાં 11 સ્થળે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. EDના અધિકારીઓનું કહેવું છે કે આ એક સંગઠિત સાયબર ક્રાઈમ અને મની લોન્ડરિંગ નેટવર્ક છે, જે લોકોને ડરાવીને અને ખોટા કેસની ધમકી આપીને કરોડોની રકમ વસૂલતું હતું.

શું છે ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital arrest) કૌભાંડ?
ડિજિટલ એરેસ્ટ (Digital arrest) એ નવી પ્રકારની સાયબર છેતરપિંડી છે, જેમાં શિકાર બનેલા વ્યક્તિને ફોન અથવા વીડિયો કોલ દ્વારા ખોટી રીતે જણાવવામાં આવે છે કે તેઓ કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. ત્યારબાદ તેમને ‘ઓનલાઈન દેખરેખ’ અથવા ‘ડિજિટલ કસ્ટડી’માં હોવાની વાત કહીને ડરાવવામાં આવે છે અને મોટી રકમ ટ્રાન્સફર કરવા મજબૂર કરવામાં આવે છે. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે પણ આવી જ રીત અપનાવવામાં આવી હતી.
આસામથી મહિલા રૂમી કલિતાની ધરપકડ
EDએ આ કેસમાં આસામમાંથી રૂમી કલિતા નામની મહિલાની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે મહિલાએ પોતાનું બેંક એકાઉન્ટ મ્યુલ એકાઉન્ટ (Money Mule Account) તરીકે ઉપયોગ માટે આપ્યું હતું.
આ એકાઉન્ટ મારફતે છેતરપિંડીથી મેળવેલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ કોભાંડમાં મહિલાને કમિશન આપવામાં આવતું હતું. EDની તપાસમાં સ્પષ્ટ થયું છે કે અનેક લોકો પાસેથી છેતરપિંડી કરીને વસૂલાયેલા રૂપિયા રૂમી કલિતાના એકાઉન્ટમાં જમા થતા હતા.
10 અલગ-અલગ ફરિયાદોના આધારે તપાસ
આ કેસ માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નથી. EDએ જણાવ્યું છે કે 10 અલગ-અલગ ફરિયાદોના આધારે PMLA અંતર્ગત તપાસ શરૂ કરવામાં આવી હતી. દરેક ફરિયાદમાં ડિજિટલ એરેસ્ટ (Digital arrest)અને ઑનલાઇન છેતરપિંડીની સમાન પદ્ધતિ જોવા મળી છે. આથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ એકલદોકલ ગુનો નહીં પરંતુ વ્યાપક અને સુવ્યવસ્થિત નેટવર્ક છે.
રૂમી કલિતાને રિમાન્ડ
ધરપકડ બાદ EDએ રૂમી કલિતાને અદાલતમાં રજૂ કરી હતી, જ્યાંથી 2 જાન્યુઆરી સુધી રિમાન્ડ મેળવવામાં આવ્યો છે. આ દરમિયાન ED અધિકારીઓ મહિલા પાસેથી વધુ પૂછપરછ કરશે અને નેટવર્કમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
7 કરોડમાંથી 5.24 કરોડ પરત
EDની કાર્યવાહી બાદ એક મહત્વપૂર્ણ રાહતરૂપ બાબત સામે આવી છે. ઉદ્યોગપતિ પાસેથી વસૂલાયેલા 7 કરોડ રૂપિયામાંથી 5.24 કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે. બાકીની રકમની ટ્રેસિંગ અને રિકવરી માટે તપાસ ચાલુ છે.
સાયબર છેતરપિંડી સામે ચેતવણી
આ કેસ ફરી એકવાર ચેતવણી આપે છે કે કોઈ પણ અજાણ્યા ફોન, વીડિયો કોલ અથવા કાયદાકીય ધમકીથી ગભરાવું નહીં. કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય ફોન પર ડિજિટલ એરેસ્ટ (Digital arrest) કે પૈસા ટ્રાન્સફર કરવાની માંગ કરતી નથી.
