Mehsana News: સારા ભવિષ્યની આશાએ યુરોપ જવા નીકળેલા મહેસાણા જિલ્લાના બદલપુરા (મેઉ) ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન અને માત્ર 3 વર્ષની પુત્રી દેવાંશીબાને લીબિયામાં (Libya) અપહરણકારોએ બંધક બનાવી દીધા હતા. આ પરિવારને છોડાવવા માટે અપહરણકારોએ (Kidnappers) શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ લાંબી વાટાઘાટો બાદ આ રકમ 85 લાખ રૂપિયામાં નક્કી થઈ અને પરિવારને મુક્ત કરવામાં આવ્યો. હાલ આ પરિવાર સુરક્ષિત રીતે વતન પરત ફર્યો છે અને છેતરપીંડી કરનારા એજન્ટો સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યો છે.
લીબિયામાં (Libya) ચારે બાજુ અપહરણકારોએ કરંટ ગોઠવ્યો હતો
આ ઘટના ગત 29 નવેમ્બરથી શરૂ થઈ હતી, જ્યારે કિસ્મતસિંહ ચાવડા પરિવાર અમદાવાદથી (Ahmedabad) દુબઈની (Dubai) ફ્લાઇટ લઈને રવાના થયો હતો. એજન્ટ હર્ષિત કમલેશભાઈએ તેમને વચન આપ્યું હતું કે દુબઈથી સીધા પોર્ટુગલના વિઝા મળી જશે અને તેઓ યુરોપમાં સેટલ થઈ જશે. આ માટે પરિવારે એજન્ટને અગાઉ 30 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. પરંતુ દુબઈમાં બે દિવસ રોકાયા બાદ એજન્ટોએ તેમને લીબિયાની (Libya) ફ્લાઇટમાં બેસાડી દીધા.લીબિયા પહોંચતાં જ એરપોર્ટ પરથી એજન્ટના માણસોએ તેમને એક હોટલમાં લઈ જઈને પાસપોર્ટ, મોબાઇલ અને પૈસા છીનવી લીધા હતા. ત્યારબાદ તેમને એક મકાનમાં બંધક બનાવી દેવામાં આવ્યા.
18 દિવસ સુધી અમને એક જ ઘરમાં બંધ રાખ્યા

અપહરણકારોએ વીડિયો કોલ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખંડણીની માંગણી કરી.મુક્તિ બાદ કિસ્મતસિંહ ચાવડાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “દુબઈમાં એજન્ટના માણસોએ કહ્યું કે લીબિયા (Libya) થઈને યુરોપ જવાનું છે. અમે વિશ્વાસ કરીને સાથે ગયા. લીબિયા એરપોર્ટ (Libya Airport) પર રાત્રે 1 વાગ્યે ઉતર્યા ત્યારે ત્રણ યુવાનો અમને લેવા આવ્યા હતા. તેમણે અમને એક મકાનમાં લઈ જઈને બંધક બનાવી દીધા હતા. અમાને ત્રણેયને એક જ રૂમમાં રાખ્યા હતા. તેઓ હિન્દી અને ઉર્દુ બોલતા હતા અને ઘરની આસપાસ કરંટ ગોઠવી દીધું હતું જેથી અમે બહાર ન નીકળી શકીએ.”કિસ્મતસિંહે વધુમાં કહ્યું, “18 દિવસ સુધી અમે એક જ ઘરમાં બંધ હતા. તડકો પણ જોયો નહીં. જમવાનું ક્યારેક આપે તો ક્યારેક ન આપે. તેઓ અમને અલગ અલગ રૂમમાં રાખીને ઇમોશનલ બ્લેકમેલ કરતા હતા.

બાળકી બીમાર છે એવી ખોટી વાત કરીને પરિવાર પાસેથી વધુ પૈસા મેળવવા માંગતા હતા. તેઓ ધમકી આપતા કે ‘પૈસા નહીં આપો તો ત્રણેયને ગોળી મારી દઈશું. અમે તમારા જેવા ઘણા પરિવારોને મારી નાખ્યા છે.’ શારીરિક નુકસાન તો નહીં પહોંચાડ્યું પરંતુ લીબિયામાં (Libya) માનસિક ત્રાસ ખૂબ આપ્યો.”પરિવારના સ્વજને મહિપતસિંહ રાણાએ જણાવ્યું કે, “અપહરણકારોએ શરૂઆતમાં 2 કરોડ માંગ્યા હતા. કિસ્મતસિંહના ભાઈએ લાંબી વાટાઘાટો કરી અને અંતે 85 લાખમાં સોદો નક્કી કર્યો હતો. સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈને અને દાગીના વેચીને આ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી. પૈસા મળ્યા બાદ અપહરણકારોએ તેમને એરપોર્ટ પર મૂક્યા અને તેઓ મુંબઈ થઈને ગામ પરત ફર્યા હતા.
આ પણ વાંચો:મહેસાણાના પરિવારનું લીબિયામાં અપહરણ કરી બે કરોડની ખંડણી માંગી, પત્ની-દિકરીને અલગ રાખ્યા
આ પણ વાંચો: મહેસાણામાં બીજી વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
આ પણ વાંચો:લીબિયામાં ફસાયેલ મહેસાણાનો પરિવાર હેમખેમ પરત ફર્યો, ખંડણી ચૂકવી છૂટકારો
