Gandhinagar News/ અમદાવાદમાં IIT મોડલ પ્રમાણે ‘રીસર્ચ પાર્ક’ બનશે, મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત

મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં બજેટ (Gujarat Budget) ચર્ચાનો જવાબ આપ્યો. અમદાવાદમાં રીસર્ચ પાર્ક, એન્જિનિયરિંગમાં નવી બેઠકો અને AI પ્રોજેક્ટ્સ માટે મોટી જાહેરાતો કરી.

Gujarat Gandhinagar Top Stories
Gujarat Budget

Rushikesh Patel Assembly Speech 2026: ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27ના બજેટ (Gujarat Budget) પરની સામાન્ય ચર્ચાનો પ્રારંભ થયો છે. ચર્ચાના પ્રથમ દિવસે ઊર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે સરકારનો પક્ષ રાખતા યુવાનો, શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત હવે માત્ર ઉદ્યોગોનું જ નહીં, પણ રમતગમત અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નું પણ હબ બનશે.

Gujarat Budget: શિક્ષણ અને યુવા શક્તિ માટે મોટા આયોજન

યુવાનોને ઉદ્યોગોની વર્તમાન માંગ મુજબ સજ્જ કરવા માટે રાજ્ય સરકારે અનેક નવી અને મહત્વપૂર્ણ પહેલ કરી છે, જેના ભાગરૂપે રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા અમદાવાદમાં IIT મોડલ આધારિત અત્યાધુનિક રીસર્ચ પાર્ક સ્થાપવામાં આવશે. વિદ્યાર્થીઓને પરવડે તેવી ફીમાં ઈજનેરી અભ્યાસ મળી રહે તે હેતુથી આગામી વર્ષમાં એન્જિનિયરિંગની 2500 નવી બેઠકોનો વધારો કરવામાં આવશે, નોંધનીય છે કે વર્ષ 2022માં એન્જિનિયરિંગમાં માત્ર 50% બેઠકો ભરાતી હતી જે 2025માં વધીને 91% સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત, યુવાનોના કૌશલ્ય વર્ધન માટે ‘નમો ગુજરાત કૌશલ્ય મિશન’ હેઠળ 226 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી પણ કરવામાં આવી છે જેથી તેઓ રોજગારી માટે વધુ સક્ષમ બની શકે.

AI અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત નંબર-1

મંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે ગુજરાત છેલ્લા 5 વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ટેક્નોલોજીના આ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં 850 કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં ટેક્નિકલ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી નવા ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના પણ કરવામાં આવશે, જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ પર લઈ જશે.

Gujarat Budget

કોંગ્રેસના ‘અભદ્ર વિરોધ’ પર મંત્રીના આકરા પ્રહાર

ઋષિકેશ પટેલે તાજેતરમાં યોજાયેલી AI સમીટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને દેશ માટે શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “વિદેશી મહેમાનોની હાજરીમાં ભારતની ગરિમાને ઠેસ પહોંચાડવી એ પૂર્વ-આયોજિત કાવતરું છે. પરિવારના ઝઘડા મહેમાનો સામે જાહેર ન કરાય, તેવી જ રીતે દેશના પ્રશ્નો વિદેશી મંચ પર ન લઈ જવા જોઈએ.”

બજેટની અન્ય મહત્વની જાહેરાતો

રાજ્યના સર્વાંગી વિકાસ માટે બજેટમાં અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે 6 સરકારી સિવિલ હોસ્પિટલોમાં મૃત્યુદરમાં ઘટાડો કરવાના આશયથી ક્લોઝ સિસ્ટમ ICU માટે 60 કરોડ રૂપિયા ફાળવાયા છે. રમતગમત ક્ષેત્રે કોમનવેલ્થ ગેમ્સની યજમાની સાથે ગુજરાત ભારતની સ્પોર્ટ્સ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ખેડૂતોના હિતમાં સુજલામ સુફલામ અને સૌની યોજના માટે 3043 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. સરહદ સુરક્ષાને મજબૂત કરવા કચ્છ બોર્ડર પર BSF માટે એલિવેટેડ કેબલ નેટવર્ક સ્થાપવા 100 કરોડની જોગવાઈ કરાઈ છે, ઉપરાંત ખનીજ ક્ષેત્રે અંબાજીમાં ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.


આ પણ વાંચો:AMCનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ

આ પણ વાંચો: રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા, દેવા માંફી, વિધવા-વૃદ્ધ પેન્શનની પેંશનની જાહેરાત નહીં