- શિયાળામાં કેસર કેરી આવતા સૌ કોઈ આશ્ચર્યમાં
- પોરબંદર બાદ જુનાગઢમાં પણ કેસર કેરીનું આગમન
- માલણકાના ખેડૂતના બગીચામાં કેસર કેરીનો પાક
- 1000 આંબામાંથી 25 જેટલા આંબામાં કેસર કેરીનો પાક
- એક ફળ 500 થી 700 ગ્રામ જેટલું ધરાવે છે વજન
@અમ્માર બખાઈ
Junagadh News: શું તમે ક્યારે કેસર કેરીનું શિયાળામાં ઉત્પાદન થતાં જોયું છે નહીં ને તો હવે સૌરાષ્ટ્રના પોરબંદર બાદ જુનાગઢ જિલ્લામાં પણ એક ખેડૂતને ત્યાં આંબામાં શિયાળા દરમિયાન કેરીનું આગમન થયું છે. અને અન્ય 20 આંબામાં મોર આવ્યા છે જેથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે.
દેશ વિદેશમાં પ્રખ્યાત એવી ગીરની કેસર કેરીનું ઉત્પાદન ઉનાળા દરમિયાન થતું હોય છે. પરંતુ આ વર્ષે શિયાળા દરમિયાન જ કેસર કેરી જોવા મળી છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકાના ખેડૂતના બગીચામાં 1000 આંબામાંથી 25 જેટલા આંબામાં કેસર કેરીનો પાક આવ્યો છે. આટલું જ નહીં 10 થી 15 જેટલા આંબામાં મોર પણ આવી ગયા છે.અને હજુ કેટલાક આંબામાં મોર આવવાની શરૂઆત થઈ છે.હજુ 15 દિવસમાં કેરી આવી જશે અને એક ફળ અંદાજિત 500 થી 700 ગ્રામ જેટલું વજન ધરાવે છે. તેમજ આ કેરી જંબો કેસર કેરી હોવાથી ખરી પણ પડે છે. શિયાળામાં કેસર કેરી આવતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
શિયાળામાં કેસર કેરીનું આગમન પ્રથમ વાર થતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. આ મામલે કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના કૃષિ સંશોધક અને પ્રાધ્યાપક વડા ડી કે વરુએ આ ઘટનાને વાતાવરણની અસર આંબા ઉપર થઈ છે તેવું જણાવ્યું હતું.કારણ કે વાતાવરણમાં થતા સતત ફેરફારને લઈને જે ઋતુમાં ઠંડક હોવી જોઈએ તેની જગ્યાએ ગરમી પડી રહી છે.અને વરસાદ આવી રહ્યો છે ત્યારે આંબાના વૃક્ષમાં થતા ફેરફારો માત્રને માત્ર વાતાવરણને આધીન છે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.ઉપરાંત દર વર્ષે એકાદ બે જગ્યાએ આવી ઘટનાઓ સામે આવતી જ હોય છે પરંતુ આ ઘટના કાયમી નથી માત્રને માત્ર કામ ચલાઉ છે એટલે કેસર કેરી એ ઉનાળામાં જ આવશે.
શિયાળા દરમિયાન કેસર કેરીનું આગમન થયું છે અને આંબાના વૃક્ષમાં મોર આવ્યા છે. તે ઘટના રોમાંચિત કરે તેવી છે પરંતુ આ ઘટના માત્રને માત્ર વાતાવરણમાં થતા બદલાવને કારણે જ થઈ છે તેવું કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર
આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે
આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..
આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ