Ahmedabad News:અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને (Sardar Ekta Yatra) અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે. 2014થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની પરંપરા તેમણે શરૂ કરાવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી નરેન્દ્રભાઈએ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ યાત્રા સરદાર સાહેબનું સમર્પણ
દેશની એકતા અને અખંડિતાના શિલ્પી લોકપુરુષ સરદાર સાહેબની 150મી જયંતી PM મોદીની પ્રેરણાથી આપણે ઊજવી રહ્યા છીએ (Sardar Ekta Yatra), એવું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરદાર વલ્લભ ભાઈ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે 565 દેશી રજવાડાંઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. વડાપ્રધાન સરદાર સાહેબના એ જ વિચારો અને જીવનમૂલ્યોને જન જન સુધી પહોંચાડી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે પ્રયાસો કરે છે. સરદાર સાહેબની જેમ સૌના મનમાં નેશન ફર્સ્ટની ભાવના ઉજાગર કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
જય સરદાર, સબકે સરદાર!નો નારો ગૂંજી ઊઠ્યો
ગુજરાત અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં યોજાનાર આ યાત્રામાં સરદારસાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજવસ્તુઓ લોકોના દર્શન માટે રાખવાના આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ યાત્રા (Sardar Ekta Yatra) સરદાર સાહેબનું સમર્પણ, દેશપ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને જનજનમાં જીવંત કરશે.
મુખ્યમંત્રીએ દેશની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવા સમર્પિત રહેવા અને સ્વદેશીનો મંત્ર અપનાવવા આહ્વાન કર્યું હતું. સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવવો, એ સમયની માગ છે. આપણે સૌ એક બનીને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું, એ જ સરદાર સાહેબને સાચી ભાવાંજલિ હશે, એવું તેમણે ઉમેર્યું હતું.

કે.પી. વિદ્યાર્થી ભવનના વડા તથા યાત્રાના આયોજક સતીષ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાએ પ્રાસંગિક પ્રવચનમાં રાષ્ટ્રવ્યાપી સરદાર એકતા યાત્રાના (Sardar Ekta Yatra) આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયા સહિતના પાટીદાર અગ્રણીઓ, અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભાના વડાઓ તથા સરદાર રાષ્ટ્રીય સ્મારકના માનદ્ મંત્રી આર.એસ. પટેલ સહિતના સરદાર-પ્રેમી લોકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી
