Gujarat News: ગુજરાતમાં જળક્રાંતિ (Water Revolution) અને કૃષિક્રાંતિ (Agriculture Revolution) માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના (Narmada River) સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે, 455 ફુટ પહોંચી છે. ડેમની આ 138.68 મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘનમીટર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતાં નીરના વધામણા મંગળવારે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને જળ પૂજનથી કર્યા હતા. આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ 10012 મીલીયન ઘનમીટર એટલે કે, 8177 MAF પાણી ઓવરફલોને કારણે આવ્યું છે.
એટલું જ નહિ, નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6283કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10014 ગામો, 183શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ૩૦ દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 2017માં તેમના જન્મદિવસ, 17મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ છે.

2017માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં પાંચ વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામા નિરર્થક વહી જતાં પાણી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટવંત નેતૃત્વ અને સુચારુ જળ વ્યવસ્થાપનથી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા-મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે.
આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી-જુદી 10 નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે.
રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળપૂજનના આ અવસરે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, સંગઠનના પદાધિકારીઓ, મુખ્યસચિવ રાજકુમાર, નર્મદા નિગમનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સર્વ પંકજ જોષી અને એમ.કે. દાસ. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
