દિલ્હી,
સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપ્યો હતો જેના ભાગરુપે દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈ અને મહારાષ્ટ્રમાં ડાન્સ બારને કેટલીક શરતો સાથે લીલી ઝંડી આપી દીધી હતી. સાથે સાથે કેટલાક નવા સૂચનો પણ કર્યા હતા. કોર્ટે મહારાષ્ટ્ર સરકારના 2016ના કાયદાને યોગ્ય ગણાવીને કેટલાક નિયમોમાં ફેરફાર કરવાનો આદેશ કર્યો હતો. ડાન્સબારમાં હવે નોટ અને સિક્કા ઉછાળી શકાશે નહીં પરંતુ બારગર્લ્સને ટિપ્સ આપી શકાશે.
ન્યાયમૂર્તિ એકે સિકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે, 2005 બાદથી આજની તારીખ સુધી કોઇપણ લાયસન્સ જારી કરવામાં આવ્યા નથી. નિયમો હોઈ શકે છે પરંતુ તેના નામ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગૂ કરી શકાય નહીં. ચુકાદો આપતા ન્યાયમૂર્તિ સિકરીએ કહ્યું હતું કે, ડાન્સ સ્ટેજ અને પીવા અને ખાવા માટે અલગ અલગ જગ્યા હોઈ શકે નહીં. આની સાથે સાથે સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવાની પણ વાત કરી હતી. કેટલીક જોગવાઈઓને અંગતતાના ભંગ તરીકે ગણાવીને કહ્યું હતું કે, ગંભીરતાપૂર્વક આગળ વધવામાં આવે તે જરૂરી છે. સીસીટીવી કેમેરા ફરજિયાતરુપે લગાવવાની જાગવાઈને પ્રાઇવેસીના ભંગ તરીકે ગણાવીને તેને ફગાવી દીધો હતો.
કોર્ટે રાજ્યના કાયદાની દ્રષ્ટિએ આપવામાં આવેલી અશ્લિલતાની પરિભાષાને અકબંધ રાખીને ત્રણ વર્ષની સજાની જાગવાઈને પણ મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઈમાં ડાન્સબાર હવે સાંજે છ વાગ્યાથી લઇને રાત્રે 10:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. કોર્ટે ડાન્સબારમાં શરાબ પરોસનાર અને ઓરકેસ્ટ્રાને પણ મંજુરી આપવામાં આવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, બારમાં કોઇપણ પ્રકારની અશ્લિલતાને ચલાવી લેવાશે નહીં. આના માટે મહારાષ્ટ્ર સરકારે ત્રણ વર્ષની સજાની જોગવાઈ અગાઉ કરી હતી. કોર્ટે કહ્યું છે કે, ડાન્સબારમાં સીસીટીવી લગાવવાની બાબત ફરજિયાત રહેશે નહીં.
