Gujarat School Bomb Threat Update: ગુજરાતની સ્કૂલોને સતત મળી રહેલી બોમ્બની ધમકીઓને પગલે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે. આગામી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ ન સર્જાય તે માટે આજે 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર (Principal Secretary Sanjiv Kumar) રાજ્યના તમામ પોલીસ વડાઓ, કલેક્ટરો અને શિક્ષણ અધિકારીઓ (DEO) સાથે હાઈલેવલ બેઠક યોજી રહ્યા છે.
School Bomb Threat: ચાલુ પરીક્ષાએ ધમકી મળે તો શું?
CBSE ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થવા જઈ રહી છે. વાલીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બાળક પરીક્ષા આપતું હોય અને તે સમયે ધમકીભર્યો મેલ આવે તો શું કરવું? આ ચિંતાને દૂર કરવા માટે સરકાર નવી એસઓપી (SOP) તૈયાર કરી રહી છે. બાળકો ગભરાયા વિના શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે સેન્ટરો પર વિશેષ તકેદારી રાખવામાં આવશે.

પરીક્ષા પહેલા સ્કૂલોનું થશે સઘન ચેકિંગ
નવા પ્લાનિંગ મુજબ, બોર્ડની પરીક્ષા શરૂ થતા પહેલા પોલીસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવશે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરેક પરીક્ષા સેન્ટરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તૈનાત રાખવામાં આવશે. ખાસ કરીને જે શાળાને વારંવાર ધમકીઓ મળી રહી છે, જેમ કે DAV સ્કૂલ, ત્યાં પોલીસ દ્વારા સ્પેશિયલ ફોકસ રાખીને વધારાની તકેદારી રાખવામાં આવશે.
શા માટે મોકલવામાં આવે છે આવા મેઇલ?
સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શાળાઓ કે સંસ્થાઓને મોકલવામાં આવતા આવા ધમકીભર્યા મેઇલ પાછળ મુખ્યત્વે બે હેતુઓ રહેલા હોય છે. પ્રથમ હેતુ જનતામાં ડરનો માહોલ પેદા કરી માનસિક આતંક ફેલાવવાનો અને દેશની સુચારુ વ્યવસ્થાને ખોરવવાનો હોય છે. બીજો હેતુ સુરક્ષા તંત્રની સજ્જતાની પરીક્ષા કરવાનો હોય છે, જેમાં ગુનેગારો એ જાણવાનો પ્રયાસ કરે છે કે પોલીસ કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટેની વ્યૂહરચના તૈયાર કરી શકે.

ધમકી આપનારાઓથી સાવધાન: ખાલિસ્તાની કનેક્શન?
ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને વડોદરાની 40 શાળાઓને ધમકી મળી હતી. આ મેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ખાલિસ્તાન અંગે ઉલ્લેખ કરાયો હતો. જોકે, તપાસમાં ક્યાંયથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી, જે સાબિત કરે છે કે આ એક ‘સાયબર વોરફેર’ અને માનસિક હુમલો છે.
પોલીસની સાયબર ક્રાઈમ યુનિટ હવે પ્રોટોનમેલ અને વીપીએન (VPN) નો ઉપયોગ કરનારા આ ગુનેગારોને ટ્રેસ કરવા માટે ઇન્ટરપોલ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લઈ રહી છે.
