Dharma & Bhakti/ ગણેશજીના પ્રથમ પૂજ્ય હોવાનું રહસ્ય શું? કેવળ કાર્તિકેય સાથેની પ્રતિયોગિતા જીતવાથી નથી મળ્યું આ સન્માન!!

ગણેશજી કેવળ શંકર-પાર્વતીના પુત્ર નથી પરંતુ પ્રારંભ અને સંપૂર્ણતાના પ્રતીક છે…સનાતન પરંપરામાં, દરેક કાર્યના પ્રારંભે શ્રી ગણેશને પ્રથમ પૂજનીય દેવનું સન્માન…

Trending Religious Dharma & Bhakti

Dharm & Bhakti: ભગવાન શ્રીગણેશ (Shree Ganesh) વિઘ્નહર્તા અને સુખકર્તા છે. હિન્દુ સનાતન ધર્મ (Hindu Religion)માં, ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. જે કોઇ ઉપાસક પર ગણપતિદાદાની કૃપાદ્રષ્ટિ વરસે છે ત્યારે એના જીવનના તમામ વિઘ્નો અને કાર્યોમાં નડતી અડચણો ગાયબ થઇ જાય છે. એમની કૃપાથી વ્યક્તિની વાણીમાં મીઠાશ આવે છે તથા બુદ્ધિ અને જ્ઞાનનો સંચાર થાય છે. ભારતીય સમાજમાં સૌથી વધુ સ્વીકાર્ય દેવ જો કોઇ હોય તો એ શ્રીગણેશ છે!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગણપતિને કેતુદેવનું સ્વરુપ માનવામાં આવે છે. કેતુ તથા રાહુ બંને છાયા ગ્રહો ગણાય છે અને પરસ્પર વિરોધી ગ્રહો છે. કેતુ (Ketu) હંમેશાં રાહુ (Rahu)થી વિપરીત કાર્ય કરે છે. રાહુ ભ્રમજાળમાં ઉલઝાવનારો ગ્રહ છે જ્યારે કેતુ મોક્ષનો કારક ગ્રહ છે. આ એ દર્શાવે છે કે વિરોધ કર્યા વિના જ્ઞાન પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન પ્રાપ્તિ વિના મુક્તિ મળતી નથી!

બ્રહ્માંડનો પ્રથમ અક્ષર ૐ કાર સ્વરુપ ‘શ્રીગણેશ’

વાસ્તવમાં ગણપતિ ઓંકાર સ્વરુપ છે અને ૐ (Om) જ બ્રહ્માંડનો પ્રથમ અક્ષર મનાય છે. અક્ષરોના સમૂહને ગણ કહે છે અને ગણોના અધિપતિ અર્થાત્ ગણપતિ (Ganpati) છે શ્રીગણેશ ભગવાન! જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સર્વ પ્રથમ ઓમ્ ના ઉચ્ચારણ સાથે મંત્રોનો ઉદઘોષ કર્યો હતો. આમ, ૐ ના ઉચ્ચારણ સાથે જ શ્રી ગણેશ સર્વ કાર્યોના પ્રારંભના પ્રતીક બની જવાથી તમામ દેવામાં એમને સૌપ્રથમ યાદ કરવામાં આવે છે. ગણેશ- આ શબ્દનો ગૂઢાર્થ એના અક્ષરોમાં સમાયેલો છે. સનાતન પરંપરા અનુસાર પંચ ‘ગં’ અર્થાત્ બીજાક્ષરના 5 આધાર ગણાય છે, જે પૈકી શ્રીગણેશ સર્વ પ્રથમ છે અને એ પછી ગૌ, ગંગા, ગીતા અને ગાયત્રી સ્થાન ધરાવે છે.

કેતુ અને શ્રીગણેશનો સંબંધ

જ્યોતિષીય દ્રષ્ટિએ ગણેશજીને કેતુનું જ સ્વરુપ માનવામાં આવે છે. એમનું મૂળ મસ્તક કાપીને ત્યાં ગજ એટલે કે હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું હોવાથી આમ કહેવાય છે. ગજાનન ગણપતિને મસ્તક વિનાના છાયા ગ્રહ કેતુ સાથે પ્રતીકાત્મક રીતે જોડવામાં આવે છે. કેતુને અધ્યાત્મ, જ્ઞાન અને પરિવર્તનનો કારક માનવામાં આવે છે અને એના દોષોના નિવારણ હેતુ ભગવાન ગણેશ (Ganesh)ની પૂજા કરવાથી સર્વ વિઘ્નોમાંથી જાતકને મુક્તિ મળે છે.

કેતુ તથા રાહુ બંને છાયા ગ્રહો ગણાય છે અને પરસ્પર વિરોધી ગ્રહો છે. કેતુ હંમેશાં રાહુથી વિપરીત કાર્ય કરે છે. રાહુ ભ્રમજાળમાં ઉલઝાવનારો ગ્રહ છે જ્યારે કેતુ મોક્ષનો કારક ગ્રહ છે. આ એ દર્શાવે છે કે, વિરોધ કર્યા વિના જ્ઞાન (Knowledge)ની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન પ્રાપ્તિ વિના મુક્તિ મળતી નથી! ગણેશજી સર્વત્ર છે અને જ્ઞાનના ભંડાર છે અને જ્ઞાન વિના મુક્તિ નથી અને સફળતા પણ પ્રાપ્ત થતી નથી. આથી જ દરેક કાર્ય પ્રારંભ કરીએ ત્યારે પ્રતીકાત્મક રુપે ‘શ્રીગણેશ કર્યા’ એવું કહેવાય છે!

સંસારના દરેક કાર્યોમાં સામેલ છે શ્રીગણેશ

સમગ્ર સંસારમાં ગણેશજી જ સાધક, સાધ્ય અને સાધન છે આથી જ દરેક કાર્યની સફળતા માટે એમની હાજરી આવશ્યક છે. એ કણ-કણમાં વિદ્યમાન છે. ખેતી કરનાર, ખેતીના સાધનો, ખેતી કર્યા બાદ થતી ઉપજ, અનાજ તથા એને સંગ્રહ કરવાના ભંડાર પણ શ્રીગણેશ જ છે. સંસારમાં કરવામાં આવતો પ્રત્યેક શ્રમ અને એની સાથે જોડાયેલા લોકો અને સાધનો એ તમામ ગણપતિનું જ સ્વરુપ ગણાય છે. આપણા ઘરમાં લોટ દળવાની ઘંટી, લોટ વડે બનતી રોટલી, એને બનાવવા માટે વપરાતી સાધન-સામગ્રી જેવા કે વેલણ અને ચીપિયા જેવા સાધનો પણ શ્રીગણેશ જ છે અર્થાત્ જે-જે વસ્તુઓ આપણને આજીવિકા અને ધન-સમૃદ્ધિ (Money and Prosperity) પ્રદાન કરે છે તે તમામ ગણેશજીનું જ સ્વરુપ છે.

પંચદેવોમાં સર્વપ્રથમ શ્રીગણેશ

ગૃહસ્થાશ્રમમાં પંચદેવ પૂજાનું મહત્વ ઘણું છે, જે દરેક ગૃહસ્થે નિત્ય કરવી જોઇએ એવી ધાર્મિક માન્યતા છે. આ પાંચ દેવોમાં સૌપ્રથમ ગણપતિ ઉપરાંત અન્ય ચાર દેવ-દેવીઓમાં શિવ, કાલી માતા, વિષ્ણુ અને સૂર્ય દેવનો સમાવેશ થાય છે. ગણપતિદાદાનું એક પૌરાણિક નામ ‘પ્રણવ’ (Pranav) છે અને આ શબ્દને જ પ્રથમ અક્ષર કહેવામાં આવે છે, જે અ+ઉ+મ અર્થાત્ અકાર+ઉકાર+મકાર મળીને સંયુક્ત રીતે ‘ઓંકાર’ ની રચના કરે છે. ગણપતિજીની જનસામાન્ય દ્વારા સ્વીકૃત મુખાકૃતિ પણ ઓંકારનું જ નિર્માણ કરે છે. એમની સૂંઢનો ડાબી તરફથી જમણી તરફનો વળાંક પણ ૐ અક્ષર સાથે સામ્ય ધરાવે છે. ‘ૐ’ અથવા ‘પ્રણવ’ એક પવિત્ર પ્રતીક છે જેનાથી મોટાભાગના મંત્રોની શરુઆત થાય છે.

શ્રીગણેશની પ્રચલિત કથા

જનમાનસમાં રુઢ થયેલી કથા અનુસાર, માતા-પિતાની પ્રદક્ષિણા કરીને ગણેશજીએ એમના ભાઈ કાર્તિકેય (Kartikeya) સાથેની પ્રતિયોગિતામાં વિજય મેળવ્યો હોવાથી એમને પ્રથમ પૂજ્ય દેવતાની પદવી પ્રાપ્ત થઇ હતી.

શાસ્ત્રોક્ત રીતે એમનુ સ્થાન એટલું મહત્વપૂર્ણ છે કે, તમારા આરાધ્ય દેવ ભલે ને કોઈ પણ હોય, તમે અન્ય કોઇ દેવ અથવા દેવીના ઉપાસક હો પરંતુ, એમની પૂજાનો પ્રારંભ હંમેશાં ગણપતિ સ્થાપના અને એમની પૂજા કર્યા બાદ જ કરવામાં આવે છે. આ કેવળ પૂજા-પાઠ સુધી સીમિત બાબત નથી પરંતુ, એમની પૂજાથી કોઈ પણ કાર્યની સફળતામાં વિઘ્ન આવશે નહિં એવી અગાધ આસ્થા ભક્તજનોની હોય છે. ગણપતિદાદાની હાજરી માત્રથી કાર્ય શાંતિથી, સફળ રીતે પૂર્ણ થશે એવું માનવામાં આવે છે.

આમ, ગણેશજી કેવળ શંકર-પાર્વતીના પુત્ર જ નથી પરંતુ પ્રારંભ અને સંપૂર્ણતાના પ્રતીક છે આથી જ સનાતન પરંપરામાં, દરેક કાર્યના પ્રારંભે શ્રી ગણેશને પ્રથમ પૂજનીય દેવનું સન્માન આપવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ, આસ્થા અને જ્યોતિષીય જ્ઞાન પર આધારિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો:મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…