ઉત્તર પ્રદેશ/ દેવરિયામાં ગંભીર અકસ્માત, બસ અને જીપ વચ્ચે અથડામણમાં 6નાં મોત

દેવરિયા જિલ્લાના ગૌરીબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને જીપ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે.

India
bus

દેવરિયા જિલ્લાના ગૌરીબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને જીપ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, ગૌરીબજાર-રુદ્રપુર રોડ પર ગૌરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઈન્દુપુર ગામ પાસે સોમવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે બસ અને જીપ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. યોગીએ ટ્વિટ કરીને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી. અધિક પોલીસ અધિક્ષક રાજેશ સોનકરે જણાવ્યું હતું કે કુશીનગર જિલ્લાના કોહરા ગામના રહેવાસીઓ લગ્ન પહેલાના તિલક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ રાત્રે રૂદ્રપુરના રાયશ્રી ગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની જીપ અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. બસ ગોરખપુરથી રૂદ્રપુર જઈ રહી હતી.

અકસ્માતમાં રામપ્રકાશ સિંહ, વશિષ્ઠ સિંહ, જોખન સિંહ, અંકુર પાંડે અને રામાનંદ મૌર્યનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર એક મૃતકની મોડી રાત સુધી ઓળખ થઈ શકી ન હતી, એમ તેમણે જણાવ્યું હતું. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, છ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપ સિંહ અને પોલીસ અધિક્ષક ડૉ. શ્રીપતિ મિશ્રા મોડી રાત્રે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી. આ ઘટના પર શોક વ્યક્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, મૃતકોના પરિવારજનો અને ઘાયલોને સરકારના નિયમો અનુસાર આર્થિક સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો:યોગી કેબિનેટની આજે મહત્વની બેઠક, આ પ્રસ્તાવોને મંજૂરી મળી શકે છે